મોરબી જિલ્લો રામમય બન્યો, 200 ગામોમાં કળશ યાત્રા પહોંચી

- text


અયોધ્યામાં રામલલ્લાના બિરાજમાન ઉત્સવને મોરબી જિલ્લો દિવાળીની જેમ ઉજવશે

શહેરો અને ગામે ગામ તોરણો બાંધી રંગોળી બનાવી લોકો ઘરેથી દીપ પ્રગટાવી રામજી મંદિરે મહાઆરતી કરશે

મોરબી : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભૂમિ અયોધ્યામાં હવે વર્ષો પછી ભવ્ય અને ઐતિહાસિક રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થતા દરેક ભારતવાસીઓમાં હરખ સમાતો નથી. આથી અયોધ્યામાં હવે ભગવાન શ્રીરામના બિરાજમાનનો અવસર નજીક આવતા ભારત સહિત સમગ્ર મોરબી જિલ્લો આ ઐતિહાસિક પ્રસંગને દિવાળીની જેમ ઉજવશે, શહેરો અને ગામેગામ તોરણો બાંધી રંગોળી બનાવી લોકો ઘરેથી દીપ પ્રગટાવી રામજી મંદિરે મહાઆરતી કરશે.

- text

અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામલલ્લાને બિરાજમાન કરવાનો ભવ્ય કાર્યક્રમ હોવાથી આ અવસરને લઈને અયોધ્યાથી આવેલી અક્ષત કળશયાત્રા ઘરેઘરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં મોરબી, માળીયા, વાંકાનેર, હળવદ, ટંકારા, પડધરી અને કુવાડવા વિસ્તારના કુલ 453 ગામોમાંથી 200 ગામોમાં કળશ યાત્રા પહોંચી ગઈ છે. આ કળશ યાત્રાનું ગામેગામ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને આગામી 1 જાન્યુઆરી સુધીમાં મોરબી જિલ્લામના બાકી રહેલા ગામોમાં પણ આ કળશ યાત્રા પહોંચી જાય એવી ધારણા છે. તા.1થી 5 જાન્યુઆરી સુધીમાં મોરબી જિલ્લાના દરેક ઘરેઘરે અક્ષત પહોંચાડવામાં આવશે. દરેક ગામોમાં આનંદ ઉત્સવ સમિતિ બનાવીને રામલલ્લાના બિરાજમાન ઉત્સવને લઈને ઘરેઘરે તોરણ બાંધી સુંદર મજાની રંગોળી બનાવી અને ઘરેઘરેથી તમામ લોકો દીપ પ્રગટાવીને ગામના રામજી મંદિરે પહોંચી આ દીપમાળાઓની મહાઆરતી કરશે. તેમજ ઘરેઘરે પણ પાંચ દીપ પ્રગટાવામાં આવશે. મોરબી શહેરના 49 વિસ્તારમાંથી 15 વિસ્તારમાં કળશ યાત્રા પહોંચી ગયા બાદ આગામી 30 સુધીમાં બાકીના તમામ શહેરી વિસ્તારોમાં આ કળશ યાત્રા પહોંચી જશે અને શહેરના 1 લાખ ઘરોમાં રામ મંદિરની તસ્વીર અને આમંત્રણ પત્રિકા સાથે અક્ષત પહોંચાડવામાં આવશે. ઘરેઘરે દીપ પ્રગટાવી આ ઐતિહાસિક પ્રસંગને સમગ્ર મોરબી જિલ્લો દીપાવલીની જેમ ઉજવણી કરવા ભારે ઉત્સાહિત છે. આ પ્રસંગનું ઘણા બધા ગામોમાં સ્ક્રીન મૂકી જીવંત પ્રસારણ કરાશે. મોટાભાગના ગામોએ એક છત્ર નીચે આવી જાતે જ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજશે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિના નેજા હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ, આરઆરએસ સહિતના સંગઠનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
.

- text