મોરબી નગર પાલિકા રવાપર અને પંચાસર રોડ સહિતના રસ્તાઓ ખોદીને નવા બનાવશે 

નવા રોડના કામ માટે રૂ.10 કરોડની ગ્રાન્ટ મંજુર : 25 વર્ષ સુધી રોડ ન તૂટે તેવું આયોજન : ધારાસભ્ય અમૃતિયા

ચીફ ઓફિસર અને વહીવટીદાર અને કોન્ટ્રાક્ટર સાથે મીટીંગ યોજી એકદમ ગુણવત્તાસભર રોડના કામો કરવાની કરવાની તાકીદ કરી

મોરબી : મોરબી પાલિકામાં ભાજપની બોડીના વિસર્જન પછી અટકી પડેલા રોડ સહિતના કામો કરવા માટે ધારાસભ્ય અમૃતિયા મેદાને આવ્યા છે. તેઓએ વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી નવા રોડ રસ્તા માટે મંજુર થયેલી 10 કરોડની ગ્રાન્ટમાંથી રવાપર અને પંચાસર રોડ ખોદીને નવા બનાવવાની જાહેરાત કરી છે. અને 25 વર્ષ સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન કરી રોડના કામો એકદમ ગુણવત્તાસભર રીતે કરવાની તાકીદ કરી છે.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આજે પાલિકા દ્વારા આગામી સમયમાં રોડ સહિતના કામો કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી 100 ટકા ક્વોલિટીવાળા કામો કરવા અને એકપણ રૂપિયો ખોટો ન વપરાય તેવી તાકીદ કરી છે અને આ મુદ્દે કોન્ટ્રાક્ટરો સંમત થયા છે. રાજાશાહી વખતથી રોડ ઉપર રોડ બનાવાની પરંપરા તોડીને હવે 10 કરોડના ખર્ચે રવાપર રોડ, પંચાસર રોડ, ભક્તિનગર સર્કલ પાસે યદુનંદન અને નીલકંઠ સોસાયટી, પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટી, દલવાડી સર્કલથી આવાસ યોજનાનો રસ્તો, સામાકાંઠે પાવન પાર્કનો મેઈન રસ્તો, વીસીપરાના વિવિધ રસ્તાને સીસીરોડ, તખ્તસિંહજી અને કંસારા શેરીના રોડને પેવર બ્લોક સહિતના સીસીરોડ અને ડામર રોડને નવેસરથી ખોદીને બનાવવામાં આવનાર હોય સારા રોડ બનવામાં સમય લાગ એમ હોય અને વેપારીઓ અને લોકોને ધીરજ રાખવા તેમજ સારા કામો થાય એ માટે પ્રજાને સહકાર આપવા તેમજ ગેરરીતિ થઈ હોય તો તેનું ધ્યાન દોરવાની અપીલ કરી છે. બ્રિજ સાથે આશરે સવાસો કરોડના કામો થનાર હોવાનું જણાવ્યું છે.

પાલિકાના વહીવટીદાર એન. કે. મુછારે જણાવ્યું હતું કે, રોડ સહિતના કામો માટે આવેલી ગ્રાન્ટનો સદઉપયોગ થાય અને રોડના કામો એક્દમ સારા ટકાટક કામો કરવા પાલિકા કટીબદ્ધ છે અને આ કામો માટે ટેન્ડર મજૂર કરી એજન્સીઓ ફાઇનલ કરી છે. તેમજ નવા રોડના કામોમાં ટ્રાફિક ન થાય તેમજ કામમાં કોઈ બાધારૂપ ન બને તે માટે પ્રજાના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે. જ્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર પરમારે જણાવ્યું હતું કે, આજે 10 કરોડના ખર્ચે થનાર કામોને બહાલી આપવામાં આવી છે. આ રોડના કામો એકદમ નિયમો મુજબ થાય તે માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરો છે. આ રોડ ઝડપથી પણ એકદમ ક્વોલિટવાળા બને તેમજ કામો દરમિયાન પ્રજાને હાલાકી ન પડે તેવું આયોજન ગોઠવ્યું છે.