ઉત્પત્તિ એકાદશી એટલે દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ! જાણો, માતાની દંતકથા..

- text


શ્રીવિષ્ણુના દેહમાંથી પ્રગટેલી કન્યાએ મુરનો વધ કરી દીધો અને વરદાન પ્રાપ્ત કર્યું

મોરબી : સમગ્ર વર્ષ દરમિયાન આવતા વ્રત અને તિથિઓમાં એકાદશીના વ્રતની આગવી જ મહત્તા છે. ગુજરાતી પંચાંગના વર્ષનાં પ્રથમ માસ કારતકની વદ અગિયારસને ઉત્પતિ એકાદશી અથવા કન્યા એકાદશી કહેવાય છે. તેને ઉત્પન્ના એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણએ માનવકલ્યાણ અર્થે અર્જુનને કહ્યો છે, તેવી પુરાણોમાં કથા વાંચવા મળે છે. દરેક એકાદશીની જેમ ઉત્પત્તિ એકાદશી પણ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

એકાદશીની પ્રાગટ્ય કથા

પુરાણો અનુસાર સતયુગમાં મુર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું. સૌને પરેશાન કરી તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. મુરના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવની શરણમાં ગયા. ત્યારે મહેશ્વરે તેમને શ્રીહરિની શરણમાં જવા કહ્યું. દેવો અને ઋષિઓ શ્રીવિષ્ણુ પાસે પહોંચ્યા. શ્રીહરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જે વર્ષો સુધી ચાલ્યું. શ્રીવિષ્ણુએ મુરના સેંકડો સૈનિકોનો વધ કરી દીધો અને પછી તે વિશ્રામ માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં જતા રહ્યા. સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મુર પણ બદ્રિકાશ્રમ પહોંચ્યો. નિંદ્રાધીન શ્રીવિષ્ણુ પર પ્રહાર કરવા તેણે શસ્ત્ર ઉઠાવ્યું. તે જ સમયે શ્રીહરિમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું.

- text

શ્રીવિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અને અસુર મુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જેમાં તે કન્યાએ મુરનો વધ કરી દીધો. જ્યારે શ્રીહરિ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે કન્યાના કાર્યને જોઈને પ્રસન્ન થઈ ગયા. તેમણે એકાદશીની તિથિએ ઉત્પન્ન થયેલી તે કન્યાને ‘એકાદશી’ના નામે જ સંબોધન કર્યું. અને કહ્યું કે, “આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોથી મુક્ત થઈ જશે.” આમ, કારતક માસની કૃષ્ણપક્ષની તિથિએ કન્યારૂપ એકાદશીનું, દેવી અગિયારસનું પ્રાગટ્ય થયું હતું.

- text