મોરબીમાં યોજાશે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અને સૂર્ય નમસ્કાર સ્પર્ધા

- text


સમગ્ર રાજ્યમાં 20 હજારથી વધુ સ્થળ પર યોગ સ્પર્ધાનું આયોજન અને અંદાજે રૂપિયા 2 કરોડથી વધુ રકમના ઇનામો

મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન તારીખ 1 ડિસેમ્બરથી શરુ કરીને આગામી તારીખ 1 જાન્યુઆરી સુધી આમ એક મહિનો ચલાવવામાં આવશે. આ મહાભિયાન દરમ્યાન મોરબી સહીત સમગ્ર રાજ્યમાં 31 ડિસેમ્બર સુધીમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે થઈને 6 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. આ સ્પર્ધામાં 09 થી 18વર્ષ, 19 થી 40વર્ષ અને 41 વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 20 હજારથી વધુ સ્થળોએ આ યોગ સ્પર્ધાનું આયોજન થશે, જેમાં અંદાજે રૂપિયા 2 કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. તારીખ 15 ડિસેમ્બરના રોજ ગ્રામ્યકક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષાની સ્પર્ધા ત્યારબાદ તારીખ 19 ડિસેમ્બર ના રોજ તાલુકા તથા ઝોનકક્ષાની સ્પર્ધા અને તારીખ 24 ડિસેમ્બર ના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને અંતમાં તારીખ 29 ડિસેમ્બર ના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.

- text

ગ્રામ્ય, શાળા વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. 101 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે તાલુકા, નગરપાલિકા,ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ રૂ. 1000નું રોકડ ઇનામ અને જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. 21 હજાર દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. 15 હજાર અને તૃતિય ભાઇ અને બહેનને રૂા.11 હજાર રોકડ ઇનામ અને અંતમાં રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા.2.50 લાખ, દ્રિતીય ભાઇ અને બહેનને રૂા.1.75 લાખ અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. 1 લાખનો રોકડ પુરષ્કાર આપવામાં આવશે. તમામ કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તારીખ 1 જાન્યુઆરી 2024ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.

- text