હળવદ તાલુકામાં ટીકર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ

- text


ભારતને વિકસિત બનાવવાની યાત્રામાં સહભાગી બનવાની સપથ લેતા ટીકરના ગ્રામજનો

મોરબી : સમગ્ર ભારતની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે હળવદ તાલુકાના ટીકર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવે જણાવ્યું હતું કે, ભારત આઝાદ થયા બાદ કેવી રીતે હાલ આપણો દેશ ઝીરોથી હીરો સુધી પહોંચ્યો છે તે સફરની સાક્ષી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની રહી છે. વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે આપણી ભૂમિકા શું છે તે વિચારને આ રથ દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ સંદેશ તેમજ વિકસિત ભારતના સંકલ્પને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન નિહાળ્યું હતું.

ટીકર ગામની શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ સંવર્ધન અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની આ યાત્રામાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ગ્રામ પંચાયતને સો ટકા નળ જોડાણ માટે તેમજ ઓડીએફ પ્લસ મોડેલ ગામ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પોષણ અભિયાન વગેરે યોજનાના લાભાર્થીઓએ આ યોજનાઓ અન્વયે તેમને મળેલા લાભ અંગેના અનુભવો રજૂ કર્યા હતા.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હળવદ મામલતદાર પરમાર, હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, ખેતી અધિકારી હસમુખ ઝીંઝુવાડીયા, તાલુકા પંચાયત સભ્ય ધર્મેન્દ્રભાઈ ઓરવાડીયા, સીડીપીઓશ્રી મમતાબેન શાળાના શિક્ષકો અને સ્ટાફ તેમજ ટીકરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text