અમારા જમાનામાં સાલ મુબારક કહેવાની મજા જ અનેરી હતી !!!

- text


મોરબીના જૈફ વયના વરિષ્ઠ નાગરિકોએ તેમના જમાનાના સાલ મુબારકના સંસ્મરણો વાગોળ્યા

અમાંરા જમાનામાં ધોકો કોઈ દિવસ આવ્યો નથી હાલની ટેકનોલોજીએ માણસને સંકુચિત બનાવી દીધો છે

મોરબી : એક જમાનો એવો હતો કે ત્યારે માણસ પાસે આજના જેવી અદ્યતન ટેકનોલોજી ન હતી. તેમ છતાં પણ એ જમાનાના લોકો ખૂબ જ ખુશહાલ રીતે ખુમારી જીવન જીવતા અને ઉત્સવો આત્મીયતાથી ઉજવતા. ખાસ કરીને દિવાળી પછી શરૂ થતું નવા નૂતન વર્ષે સાલ મુબારક કહીને શુભકામનાઓ આપવાની વર્ષોથી પરંપરા છે. પણ આજનો માણસ યંત્રવત બની ગયો છે. ઉત્સવોમાં તેને જરાય રસ નથી હોતો. માત્ર સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી બધા પરિચિતોને સાલ મુબારક પાઠવી દે છે. પણ મોરબીમાં જૈફ વયના વરિષ્ઠ નાગરિકોએ તેમના જમાનાના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, અમારા જમાનામાં ઘરેઘરે જઈને તેમજ રસ્તામાં કોઈ અજાણ્યો માણસ મળે તો પણ તેની સાથે હાથ મિલાવી રામ રામ કરી સાલ મુબારક કહેવાની અનેરી મજા હતી. આવો સોનેરી અવસર હવે ક્યારેય નહીં આવે.

મોરબીના 75 વર્ષના જીવરાજબાપા લિખિયા સહિતના વૃદ્ધો કહે છે કે, તેઓ 20થી 30 વર્ષના હતા. ત્યારે ખેતી કરતા અને ઉત્સવો હોય એટલે એની ખુશીની કોઈ સીમા જ રહેતી નહિ. તેમાંય સૌથી મોટો તહેવાર દિવાળીનો આનંદ કઈક ઓર જ હતો. દિવાળીની રાત્રે થોડી વાર ફટાકડા ફોડી, પછી ચોપડા પૂજન કરી મિત્રો સાથે બેસીને ગપ્પાંબાજી કરીને દિવાળીની આખી રાત જગતા અને વહેલી સવારે ઉઠીને ઘરના આંગણે રંગોળી બનાવતા. દિવાળીના બીજા દિવસે એટલે નૂતન વર્ષે આજની જેમ કોઈ જ્ઞાતિ માટે સ્નેહમિલન યોજાતા જ નહીં.નૂતન વર્ષે સવારે નાહીં ધોઈ નવા કપડાં પહેરી પહેલા માતા પિતા અને વડીલો તેમજ દેવી દેવતાને પગે લાગીને એમના અંતરના આર્શીવાદ મેળવી પરિવાર સાથે નવી ઉર્જા અને ઉમગ સાથે ઘરેથી ચાલીને તમામ પરિચિતોને સાલ મુબારક પાઠવવા નીકળી જતા. આજના જેવા બાઇક હતા જ નહીં. એટલે બધી જગ્યાએ ચાલીને જતા, મામા-મામી, માસા માસી, ફુઈ-ફુવા સહિતના તમામ સગ સબધીઓના ઘરે જઈ ભારે હેતથી સાલ મુબારક કહીને નવા વર્ષની શુભેચ્છાઓ આપતા અને રસ્તા વચ્ચે કોઈપણ અજાણ્યા માણસો આવે તો તેની જાતિ કે ધર્મ પૂછુંયા વગર આ અજાણ્યા માણસોને રામ રામ કરી આત્મીયતાથી સાલ મુબારક કહેતા, અમારા જમાનામાં ક્યારેય ધોકો આવ્યો જ નથી. આ ધોકો કોણે ઠોકી બેસાડ્યો એની ખબર જ નથી. અમારે તો ત્યારે દિવાળી પછીનો બીજો દિવસ એટલે નૂતન વર્ષ જ ગણાતું, તયરે સાલ મુબારક કહેવામાં આત્મીયતા છલકતી. અમે ઘણા વૃદ્ધો આજે પણ મોબાઈલમાં સંદેશ આપવાને બદલે એકમેકને મળીને સાલ મુબારક પાઠવીએ છે. પણ આજે જમાનો કેટલો બદલાયો છે. ટેકનોલોજીના માણસના વિવિધ કામના અને હેતુલક્ષી કાર્યો માટે ઉપયોગી છે. પણ માણસ એનો નિજી જીવનમાં પણ ઉપયોગ કરીને સંકુચિત થઈ ગયો છે.

- text

- text