સમગ્ર દેશમાં પ્રજ્ઞાચક્ષુઓની હિત માટે કામ કરતું એકમાત્ર મોરબીનું પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર

- text


પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ, રહેઠાણ, લગ્ન અને સ્વનિર્ભર બનાવવાની પણ જવાબદારી નિભાવે છે

મોરબી : સમગ્ર ભારત અને ગુજરાતમાં નેત્રહીનોને શિક્ષણ આપવા માટે ઘણી બધી સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે. પણ સમગ્ર ભારતમાં આ નેત્રહીનોનું પુનવર્સન કરી સામાન્ય લોકોની ઘરેડમાં લાવવા માટે સર્વાંગી વિકાસ કરતું એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર મોરબીમાં જ કાર્યરત છે. આ કેન્દ્રની 2013માં શરૂઆત થઈ ત્યારે માત્ર 10 નેત્રહીનોને ખાનગી કંપનીમાં કામે લગાડી મોરબીના કાલિકા પ્લોટમાં રહેઠાણની સુવિધા અપાઈ હતી. એકવર્ષ પછી 2014ની સાલમાં મોરબીના લક્ષ્મીનગર ગામે દાતાઓના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાં નેત્રહીનોના રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે

મોરબીમાં આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના સંચાલક અને નેત્રહીન હાતિમભાઈ રંગવાલા કહે છે કે, આ કેન્દ્રમાં હાલ 160 નેત્રહીનો રહીને મોરબીની જુદીજુદી 30 ફેકટરીઓમાં કામ કરીને સ્વનિર્ભર બન્યા છે. જો કે નેત્રહીનો રોજગારી માટે મ્યુઝિક ટીચર, વાયરની ખુરશીઓ તેમજ એસટીડી પીસીઓમાં કામ કરતા પણ ધીરે-ધીરે બદલાતાના સમયના વહેણ સાથે પ્લાસ્ટિકની ખુરશીઓ અને દરેક પાસે મોબાઇલ આવી જતા વાયરની ખુરશીઓ તેમજ એસટીડી પીસીઓના અને મ્યુઝિક ટીચરની પોસ્ટ નીકળી જતા આ કામો છૂટી ગયા છે. આથી શરૂઆતમાં ફેકટરીઓ સહિતના ઉધોગ ધંધામાં આ નેત્રહીનોને દયાની દ્રષ્ટિએ જોઈને રોકડ આપવાનું કહી રોજગારી આપવાની ચોખ્ખી ના પાડતા. પણ એ કેન્દ્રનું કામ લોકો નેત્રહીનોને દયાની દ્રષ્ટિએ ન જોઈને કામ આપી સ્વમાન સાથે રોજગારી આપવાનું હતું. એટલે આ દિશામાં સક્રિય પ્રયાસો કરતા ધીરેધીરે કામ મળતા ગયા, આ કેન્દ્ર માટે રહેઠાણ જ નહીં પણ નેત્રહીનોને રોજગારી આપી લગ્ન કરાવી આપવા તમામ સુવિધા સાથેનું ઘર, મહિલાઓની પ્રસુતિ, મેડિકલ તેમજ તેમના બાળકોને શિક્ષણ આપી ઉછેર કરી પરણવા સુધીની બધી જ જવાબદારી નિભાવે છે

પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં 10થી વધુ રાજ્યોના નેત્રહીનો પરિવાર સાથે રહે છે

મોરબીના પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, આસામ, બિહાર, ઉતરાખાંડ, ઝારખંડના નેત્રહીનો પરિવાર સાથે રહીને ગુજરાન ચલાવે છે. આ કેન્દ્ર દ્વારા 2017માં સમૂહલગ્ન યોજી નેત્રહીનોના ઘર વસાવી 40 ફેમેલીને આશરો આપ્યો છે.

નવા આવાસોનું નિર્માણ કરાયું

કેન્દ્રમાં નેત્રહીનોની ફેમેલી વધતા આ કેન્દ્ર નજીક દાતાઓના સહયોગથી નવા 7 કરોડના ખર્ચે 100 ફ્લેટનું આયોજન કરાયું છે.જેમાં હાલ એક જ દાતા દ્વારા એક કરોડની રકમ આપતા પ્રથમ 56 ફ્લેટનું બીલડીગ 3.50 કરોડના ખર્ચે બનાવમાં આવી રહ્યું છે. આ કેન્દ્રમાં હજુ દેશભરમાંથી અનેક નેત્રહીનો આવવા તૈયાર છે.પણ સુવિધાના અભાવે દુભાગ્યવશ આવા અનેક લોકોને પ્રવેશ આપી શકાયો નથી . એટલે હજુ બીજું બિલ્ડીંગ બનાવવાનું હોય એની આર્થિક સહાય માટે વધુને વધુ દાતાઓ આગળ આવે તેવી અપીલ કરાઈ છે.

છેલ્લા પાંચ વર્ષથી મ્યુઝિક ઓરકેસ્ટ્રા ચલાવતા 11 નેત્રહીનો

નેત્રહીનોએ જાતે જ આર્થિક ઉપાર્જનનું સાધન શોધી લીધું છે. આ કેન્દ્રના 11 નેત્રહીનો છેલ્લા પાંચ વર્ષથી મ્યુઝિક ઓરકેસ્ટ્રા ચલાવે છે. લગ્ન, બર્થ ડે પાર્ટી સહિતના કોઈપણ પ્રસંગે ઓર્ડર લઈને મ્યુઝિક ઓરકેસ્ટ્રા વગાડી રોજગારી મેળવે છે. સામાન્ય લોકો જે રીતે મ્યુઝિક વગાડે તેના કરતાં પણ સારું સુમધુર સંગીત વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરે છે.હાલ આ કેન્દ્રમાં 40 નેતેહીનો બાળકો, પત્નીઓ સહિત પરિવારો સાથે રહીને જાતે રોજગારી મેળવે છે. જેમાં અગ્રણી નેત્રહીન હાતિમ રંગવાલાએ દાતાઓના સહયોગથી આ કેન્દ્ર બનાવી નેત્રહીનોને રહેવા, જમવા સહિતની જવાબદારી નિભાવે છે.

- text

ભવિષ્યમાં નેત્રહીન દીકરીઓ માટે જુદાજુદા ગૃહ ઉધોગ ઉભા કરાશે

કેન્દ્રમાં રહેતા નેત્રહીનો કહે છે અમને દયાની નજરે ન જુઓ, અમારા સ્વમાનને ઠેસ પહોંચે છે. અમને દયાની નજરે ન જુઓ, અમારા આત્મવિશ્વાસમાં વધારો કરી અમે પણ સામાન્ય માણસની જેમ સ્વમાનભેર જીવી શકીએ તેવી મદદ કરો.ભવિષ્યમાં આ કેન્દ્રમાં રહેતી નેત્રહીન દીકરીઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે પેપર ડિશ, કપ, ફાઇલ,દીવડા સહિતના ગૃહ ઉધોગ બનવાના પ્રયાસો ચાલુ છે. જ્યારે 169 નેત્રહીનોને નોકરીના સ્થળેથી ઘરે લઈ જવા, આવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવી છે.

- text