માત્ર ચાર દિવસના બ્રેઈન ડેડ શિશુના અંગદાનથી અન્ય બાળકોના જીવનમાં ઉજાશ 

- text


સુરતમાં દેશના સૌથી નાના વયના દર્દીનું ઓર્ગન ડોનેશન કરાયું 

મોરબી : સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા યુવાનના ઘેર પુત્રના જન્મ બાદ ખુશીની લહેર દોડી ઉઠી હતી પરંતુ જન્મ બાદ બાળકમાં કોઈ હલન ચલન જોવા ન મળવાની સાથે બાળક રડ્યું ન હોય તબીબો અને પરિવાર માટે ચિંતા જન્મી હતી અને આખરે ચાર દિવસના બાળકને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે બાળકના પરિવારે પોતાનું બાળક બ્રેઇનડેડ હોવાનું જાણી ઉદાર નિર્ણય લઈ બાળકનું ઓર્ગન ડોનેશન કરવા નિર્ણય કરી અન્ય બાળકોના જીવનમાં ઉજાશ પાથરવા નિર્ણય કરતા સુરતમાં દેશના સૌથી નાના વયના દર્દીનું ઓર્ગન ડોનેશનનો પ્રથમ કિસ્સો બન્યો હતો.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ સુરતના વાલક પાટિયા વિસ્તારમાં 13 ઓક્ટોબરે જન્મેલા બાળકના શરીરમાં કોઈ હલનચલન નહોતું અને તે રડ્યું પણ નહોતું, જે ચિંતાનું કારણ હતું. બાળકને તાત્કાલિક પિડીયાટ્રિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, જ્યાં તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું. મા-બાપને આશા હતી કે તેમનું નવજાત બાળક બચી જશે. પરંતુ તેમની આશા ઠગારી નિવડી હતી.

આ નવજાત બાળકના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમને પોતાનું સંતાન ગુમાવવાનું દુઃખ તો છે પણ સાથે સંતોષ છે કે, બીજા કેટલાક પરિવારોના જીવનનો અંધકાર અંગદાન થકી દૂર થશે. તેમણે કહ્યું, કે, “ડૉક્ટરોએ મારા દીકરાની જિંદગી બચાવવાના વિવિધ પ્રયાસ કર્યા છતાં કશું ના વળ્યું. છેવટે તેમણે દીકરાને બ્રેનડેડ જાહેર કર્યો હતો. ડૉક્ટરોએ મને અને મારા પત્નીને અંગદાન વિશે માહિતી આપી ત્યારે અમે તૈયાર થઈ ગયા. અમારા દીકરાના અંગદાનથી દિવાળી પહેલા કેટલાય પરિવારોના જીવનમાં રોશની આવશે.”

- text

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના તબીબો અને સ્વંયસેવકોની વિનંતીથી આ દંપતીનું હૃદય પીગળી ગયું હતું. જોકે, નવજાત બાળકના મા-બાપ પહેલા તેના દાદી અંગદાનનું મહત્વ સમજી ગયા અને તેમણે જ પરિવારને આ નિર્ણય માટે તૈયાર કર્યો હતો. રાજ્ય સરકાર સંચાલિત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિલેશ કાછડિયાએ આ પ્રોસેસ વિશે વાત કરતાં કહ્યું, “મને બાળકના સંબંધી દ્વારા તેની સ્થિતિની જાણ કરવામાં આવી હતી. અમે તેને જરૂરી સમય ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો, જે બાદ પ્રક્રિયા શરૂ કરી હતી. આ નવજાત બાળકનું અંગદાન દેશમાં સૌથી નાના વયના દર્દીનું ઓર્ગન ડોનેશન છે.”

ગુજરાત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશના કન્વેયર ડૉ. પ્રાંજલ મોદીએ સુરતમાં થયેલા આ નવજાત બાળકના અંગદાનનું મહત્વ સમજાવતા કહ્યું, “આટલી નાની ઉંમરના દર્દીના શરીરમાંથી અંગો લેવામાં આવ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે. ગુરુવાર સુધીમાં ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ ખબર પડી જશે.” અગાઉ પંજાબમાં 39 દિવસની બાળકીનું મોત થતાં તેની કિડની 16 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. એ વખતે આ દેશના સૌથી નાની વયના દર્દીનું અંગદાન હતું અને હવે સુરતના બ્રેનડેડ બાળકનું નામ દેશના સૌથી નાનાવયના ઓર્ગન ડોનર તરીકે નોંધાયું છે.

- text