ચેતજો ! બલેનો કારને બદલે વિસનગરના ગઠિયા પિયુષ પટેલે મોરબીના હિરેનભાઈને 3.95 લાખનો ધુમ્બો માર્યો 

મોરબી અને જૂનાગઢના બે વ્યક્તિ સાથે કાર વેચવાના નામે છેતરપિંડી મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ 

મોરબી : ઈન્ટરનેટના આજના જમાનામાં ઓનલાઇન મોબાઈલ નંબર મેળવી લઈ છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના એક કાર લે વેચના ધંધાર્થીને મહેસાણાના વિસનગરના ગઠિયાએ બલેનો કાર વેચવાના નામે શીશામાં ઉતારી દઈ રૂપિયા 4 લાખનો ધુમ્બો મારી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, વિસનગરના પિયુષ પટેલ નામના આ ભેજાબાજ ગઠીયાએ મોરબીમાં જ રહેલી બે અલગ અલગ કાર વેચવાના બહાને આંગડિયા મારફતે રૂપિયા મંગાવી મોરબી ઉપરાંત જૂનાગઢના વ્યકિતને પણ ચૂનો ચોપડ્યાનું બહાર આવ્યું છે.

છેતરપિંડીની આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા અને કાર લે વેચનો ધંધો કરતા ફરિયાદી હિરેનભાઇ શાંતિલાલ ચૌહાણનો મોબાઈલ નંબર જસ્ટ ડાયલ ઉપરથી મેળવી મહેસાણા વિસનગરના ગઠિયા પીયુષભાઇ મહેશભાઇ પટેલે ફોન કરી ને કહ્યું હતું કે, મોરબી લાતીપ્લોટના વેપારી બુરહાનુદીન અબ્બાસભાઈ લાકડાવાલાને તેમની બલેનો કાર રૂપિયા 4 લાખમાં વેચવાની છે જો તમારે કાર લેવી હોય તો બુરહાનુદીન અબ્બાસભાઈ લાકડાવાલા પાસે જોઈ આવો, જેથી હિરેનભાઈ આ કાર જોઈ આવ્યા હતા અને કાર ગમતા ગાંઠિયા પિયુષ પટેલના કહેવા મુજબ બુરહાનુદીન ભાઈને 5000 ટોકન આપ્યું હતું. બાદમાં હિરેનભાઈને વિશ્વાસમાં લઈ ગઠિયાએ આંગળીયા મારફતે 3.95 હજારનું અમદાવાદ ખાતે આંગળિયું મંગાવી લીધું હતું.

જો કે, બલેનો કારનું પેમેન્ટ ચૂકવ્યા બાદ કાર લેવાં માટે હિરેનભાઈ બુરહાનુદીનભાઈ પાસે જતા બુરહાનુદીનભાઈએ પોતાને પેમેન્ટ ન મળ્યું હોવાનું જણાવી તેમને પૈસા મળે બાદમાં કાર આપશે તેવું જણાવતા હિરેનભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. વધુમાં આ પિયુષ પટેલે હિરેનભાઈની જેમ જ જૂનાગઢના રહેવાસી દીવ્યાંગભાઇ વિનોદભાઇ ચુડાસમા પાસેથી પણ સ્વીફ્ટ કાર આપવાના નામે 4.95 લાખનું આંગળિયું મંગાવી લીધાનું હિરેનભાઈને જાણવા મળતા છતરપિંડીનો ભોગ બનેલા હિરેનભાઈ અને દિવ્યાંગભાઈની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ગઠિયાને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.