મોરબી જિલ્લામાં શાળા, કોલેજ, ફેકટરી સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આન બાન અને શાનથી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા કક્ષાની ઉજવણીની સાથે મોરબી જિલ્લાની વિવિધ શાળા, કોલેજ, ફેકટરી સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.


મોરબીની જેટકો ટેક એન્જિનિયરિંગ કંપની દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી

મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલી લાઇટિંગ તેમજ પેનલ બોર્ડ બનાવતી જેટકો ટેક એન્જિનિયરિંગ કંપનીમાં આજરોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કંપનીના કર્મચારીઓ સહિતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો.


મોરબીની ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

મોરબી : તાલુકાના ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં આજરોજ સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગામના યુવા સરપંચ તેમજ સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં સ્વાતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉંચી માંડલ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ધનજીભાઈ કુંડારીયા, ગામના તલાટી કમ મંત્રી બળદેવભાઈ કુંડારીયા, ઉપસરપંચ મનજીભાઈ સોરીયા, ગામના આગેવાન ગંભીરસિંહ પરમાર સહિતના અન્ય આગેવાનો, શિક્ષક ગણ, વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી, સૂત્રોચ્ચાર તેમજ રાષ્ટ્ર ભક્તિના ગીતો પર ડાન્સ અને દેશભક્તિનું નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાના શિક્ષિકા સોનલબેન ડાંગરોશીયાએ કર્યું હતું.


આમરણની સી.એલ. પરીખ હાઈસ્કૂલમાં ઉજવાયો આઝાદી પર્વ

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલી સી.એલ. પરીખ હાઈસ્કૂલમાં આજ રોજ 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ફડસર ગામની શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થિની અને તલાટી-કમ-મંત્રીની પરીક્ષા પાસ કરનાર મીરાબેન ભરતભાઈ વાંક હાજર રહ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.. કાર્યક્રમમાં ગ્રામજનો, યુવાનો, શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓ, કન્યા શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, તાલુકા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમનું સંચાલન ગણિતના શિક્ષક રવિરાજસિંહ ઝાલાએ કર્યું હતું. આ તકે શાળાના આચાર્ય ડી.વી. શેરસીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.


માળીયા : દેવ સોલ્ટ કંપની દ્વારા ધ્વજવંદન કરાયું

માળીયા : માળીયા તાલુકાની દેવ સોલ્ટ પ્રા. લી. કંપની દ્વારા આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તાલુકાના વિવિધ ગામની શાળાઓમાં 3500 જેટલા બાળકોને કંપાસ બોક્સ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવ સોલ્ટના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિતરણ દરમિયાન કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, અમિત સવસેટા અને રાજેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.


મોરબીની શોભાકુંજ સોસાયટીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

મોરબી : મોરબીમાં અવની ચોકડી પાસે આવેલી શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાકુંજ સોસાયટીના તમામ બાળકો, યુવાનો,વડીલો તેમજ મહિલાઓ દ્વારા ધ્વજવંદન કરી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત શિક્ષક ભવાનભાઈ કગથરા દ્વારા રાષ્ટ્રધ્વજનું મહત્વ અને તેનો ઇતિહાસ જણાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં શોભાકુંજ સોસાયટીના પ્રમુખ ડો.પુનિતભાઈ માકાસણા અને ઉપ પ્રમુખ દિનેશભાઈ કાલરીયા દ્વારા સોસાયટીના લોકોને સ્વચ્છતા તેમજ શાંતિ જાળવી સરકાર દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનમાં મદદરૂપ થવા અપીલ કરાઈ હતી.


મોરબીની વિશાળ રિયલ ક્રિકેટ એકેડેમી દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી 

મોરબી : મોરબી વિશાળ રીયલ ક્રિકેટ એકેડેમી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગો લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ક્રિકેટના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.


મોરબીની ઓરિલ પોલીપ્લાસ્ટ કંપની દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો 

મોરબી : મોરબીની જાણીતી પાઇપ અને ફીટીંગ્સ બનાવતી કંપની ઓરિલ પોલીપ્લાસ્ટ ખાતે હર ઘર તિરંગા અને મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત 77મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સંચાલકો અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.


મચ્છુ-3 ડેમ સાઈટ પર લહેરાયો તિરંગો 

મોરબી : આજરોજ ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને દેશની આન, બાન, શાન સમાન તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના મચ્છુ-3 ડેમ સાઈટ પર પણ 77મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.


મોરબીમાં વિહિપ, બજરંગ દળ સહિતની સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

મોરબી : આજરોજ 15મી ઓગસ્ટના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની તથા સામાજિક સમરસતાના તમામ આયામો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના લશ્કરી દળના નિવૃત્ત અધિકારી દિનેશભાઈ બારૈયાની હાજરીમાં તમામ આયામોના હોદ્દેદારો અને કાર્યકરોએ નવા બસ સ્ટેન્ડની પાસે સરદાર પટેલની પ્રતિમા સામે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સહ કાર્યવાહક તથા શિવાય ઇન્ટરનેશનલ ન્યુ બસ સ્ટેન્ડ શોપિંગ પરિવાર હાજર રહ્યો હતો.


મોરબી : નિર્મલ વિદ્યાલય ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

મોરબી : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીના નિર્મલ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. દેશના વીર જવાનોની શહીદીને યાદ કરી ધ્વજવંદન કરાયું હતું અને બાદમાં “રાષ્ટ્રીય પરમો ધર્મ”ની થીમ સાથે વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેનાથી શાળામાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સુબેદાર મેજર સહદેવસિંહ ઝાલાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.


મોરબી : ઉંચી માંડલમાં મેગાસિટી વિટ્રીફાઈડ ખાતે આઝાદી પર્વની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે આવેલી મેગાસિટી વિટ્રીફાઈડ ખાતે આજરોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેગા ગ્રુપના કાનજીભાઈ કાનેટીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ ડિરેક્ટરો, ઉદ્યોગપતિઓ, ફેક્ટરીના કામદારો સહિતના લોકો જોડાયા હતા.


મોરબી RSS અને ભગિની સંસ્થાઓ દ્વારા આદિવાસી વિસ્તારમાં બટુક ભોજન કરાવાયું

મોરબી : મોરબી RSS અને ભગિની સંસ્થાઓ તથા નવસારીની ટીમ દ્વારા ડાંગના આદિવાસી વિસ્તારમાં 1500 બાળકોને બટુક ભોજન કરાવાયું હતું. આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી અને નવસારી જિલ્લાની RSSની ભગિની સંસ્થા અને મિત્ર મંડળ દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામડામાં શાળામાં જઈને દરેક બાળકને મળી ભારત માતા કી જય તથા જય શ્રી રામના નારા લગાવી રાષ્ટ્રભક્તિના ગીત ગવડાવીને અંદાજે 1500 જેટલા પાર્સલ તૈયાર કરીને દરેક બાળકોને આપ્યા હતા


મોરબીની જુદી – જુદી સોસાયટીના નાગરિકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી 

મોરબી : આજરોજ 15મી ઓગસ્ટ ને સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબીના પટેલ નગર, ખોડીયાર પાર્ક અને ન્યૂ આલાપ સોસાયટીના રહેવાસીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રહીશો તિરંગો લઈને જોડાયા હતા. તિરંગા યાત્રા નીકળતા દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું..


ખાખરેચી શાળા તેમજ હાઈસ્કૂલના સયુંકત ઉપક્રમે સ્વતંત્રતા દિવસ ઉજવાયો

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાના સયુંકત ઉપક્રમે 77મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજાઈ હતી અને ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઈ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્રતા દિવસ અને દેશના સૈનિકો વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસ નિમિત્તે આઝાદીની ચળવળમાં ખાખરેચી સત્યાંગ્રહમાં ગામના સ્વતંત્ર્ય સેનાની લીંબાભાઈ દેવશીભાઇ પારજીયા તેમજ બીજા સ્વાતંત્ર્ય સેનાની ગંગારામભાઈ બેચરભાઈ બાપોદરિયાએ આપેલા બલિદાનના ઇતિહાસને વાગોળીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઈ પારજીયા, ખાખરેચી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, તમામ સદસ્યો, તમામ શાળાના આચાર્યો તથા શિક્ષકગણ, આંગણવાડી, પોલીસ વિભાગ, ગ્રામજનો, તમામ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સાહભેર આઝાદી પર્વ ઉજવાયો

મોરબી : મોરબીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય સમારોહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રયાનની આકૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા લઈ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ ગુરુકુલના સંતોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગુરુકુલનાં અનેક નાનાં-નાનાં ભુલકાઓએ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, શિવાજી જેવાં દેશ ભક્તોની વેશભૂષા ધારણ કરીને પોતાની કાલીઘેલી ભાષામાં સુંદર સ્પીચ તેમજ દેશભક્તિ નૃત્ય પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમનાં અંતમાં ગુરુકુલના સંચાલક નિર્ગુણજીવનદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી શુભાશિષ પાઠવ્યા હતા.