હાડકા તોડ 30 ટકા વ્યાજ ! મોરબીનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો 

- text


રેડીમેઈડ કપડાના શોરૂમ ધરાવતા યુવાન પાસેથી પાંચ વ્યાજખોરોએ 21થી 30 ટકા માસિક વ્યાજ વસૂલી અને મૂડી વસૂલ્યા બાદ પણ ધમકીઓ અપાતા ફરિયાદ 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રેડીમેઈડ કપડાનો શોરૂમ ધરાવતા યુવાનને ધંધામાં નાણાંની જરૂર પડ્યા બાદ એક શખ્સ પાસેથી મહિને 30 ટકા વ્યાજે રૂપિયા 5 લાખ લીધા બાદ વ્યાજ ચુકવવામાં બીજા,ત્રીજા,ચોથા વ્યાજખોરના વિષચક્રમાં ફસાઈ ગયો હતો. જો કે બાદમાં હાડકા તોડ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ માર મારી સોનાની માળા પડાવી લીધા બાદ તમામને વ્યાજ સાથે મુદ્દલ ચૂકવી દેવા છતાં ધમકીઓ મળવાનું ચાલુ રહેતા અંતે આ યુવાને પાંચ વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની રામસેતુ સોસાયટીમાં અમરશીભાઇ કાસુન્દ્રાના મકાનમાં ભાડેથી રહેતા મૂળ ઘુનડા(સજનપર) ગામના વતની યશભાઇ ભીમજીભાઇ રંગપરીયા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં મેટ્રો માર્ટ નામની રેડીમેઈડ કાપડની દુકાન ધરાવતો હતો. જો કે કાપડની દુકાનમાં વર્ષ 2020માં નાણાકીય જરૂરિયાત ઉભી થતા વર્ષ 2020માં સૌ પ્રથમ આરોપી મયુરભાઇ બાબુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી વાળા પાસેથી માસિક 30 ટકા વ્યાજે રૂપિયા 5 લાખ દર દસ દિવસે વ્યાજ આપવાની શરતે લીધા હતા.

જો કે બે વખત રૂપિયા 50 -50 હજાર વ્યાજ આપ્યા બાદ ફરિયાદી યશે મયુર ડાંગરના રૂપિયા ચૂકવવા વ્યાજખોર મયુરના જ સગા એવા યશભાઇ રાજુભાઇ ડાંગર રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબીવાળા પાસેથી 30 ટકા વ્યાજે ફરી રૂપિયા 5 લાખ મેળવી આરોપી મયુરને ચૂકવી આપ્યા હતા.અને અહીંથી જ યશ રંગપરીયા વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયો હતો.

બાદમાં વેપારી યુવાન યશ રંગપરીયાએ ત્રણ મહિના સુધી યશ ડાંગરને નિયમિત વ્યાજ ચૂકવી માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા રહે. રવાપર ગામ વાળા પાસેથી મહિને 21 ટકા વ્યાજ લેખે રૂપિયા 6 લાખ મેળવી આરોપી યશ ડાંગરના વિષચક્રમાંથી છુટકારો મેળવ્યો હતો. અને ફરી પાછા યશ ડાંગર પાસેથી ત્રણ લાખ લઈ આરોપી માધવ ઉર્ફે મેહુલ જીલરીયાને 9 લાખ ચૂકવી આપ્યા હતા.

- text

આ ઉપરાંત માધવ ઉર્ફે મેહુલનું વ્યાજ ચૂકવવા યશ રંગપરીયાએ વિશાલ ઉર્ફે વીડી ડાંગર રહે.રવાપર ગામ વાળા પાસેથી 18 ટકા વ્યાજે મેળવ્યા હતા અને બધા વ્યાજખોરોના ત્રાસમાંથી છૂટવા ફરી એક વખત યશે વિશાલ ઉર્ફે વીડી પાસેથી 4 લાખ મેળવી તમામને વ્યાજ સહીત નાણાં ચૂકતે કર્યા હતા. જો કે આમ છતાં વ્યાજનું ચક્ર ન પૂરું થતા યશ રંગપરીયાના કાકાએ 9 લાખ રોકડા ચૂકવ્યા હતા. દરમિયાન વ્યાજખોર વિશાલ ઉર્ફે વીડીનાં માસીનો દીકરો આરોપી કિશન કુભાંરવાડીયા રહે. રવાપર રોડ મોરબી વાળાએ પણ વ્યાજના ખેલમાં પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હતો. આ ઉપરાંત વ્યાજખોર માધવ ઉર્ફે મેહુલ જીલરીયાએ યશની અઢી તોલા સોનાની માળા પણ પડાવી લીધી હતી.

વ્યાજખોરોના ત્રાસથી તંગ આવી ગયેલા યશભાઇ ભીમજીભાઇ રંગપરીયાએ અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મયુરભાઇ બાબુભાઇ ડાંગર, યશભાઇ રાજુભાઇ ડાંગર, માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા, વિશાલ ઉર્ફે વીડી ડાંગર અને કિશન કુભાંરવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વ્યાજખોરો વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૨૦૧૧ ની કલમ – ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text