નવા ઘનાળા પ્રા. શાળામાં બાલસંસદની ચૂંટણી યોજાઈ

- text


વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે હેતુથી આ આયોજન કરાયું

હળવદ : હળવદ તાલુકાની નવાઘનાળા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે હેતુથી બાલસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારપછી જુદાં -જુદાં મંત્રી બનવા માટે કુલ 22 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી 8 જુદી જુદી સમિતિના મંત્રી બનવા નોંધાવી હતી.

ચૂંટણી માટે ઉમેદવારોને શાળામાં પ્રચાર પ્રસાર કરવા પુરતો સમય આપવામાં આવ્યો હતો. ગત. તા. 26ના ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીનું મતદાન ગુપ્ત રીતે થાય તે માટે મતદાન કુટીર બનાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા બાળકો દ્વારા કરવાની હોવાથી પોલિંગ ઓફિસર, ફસ્ટ પોલિંગ, સેકન્ડ પોલિંગ વગેરેની જવાબદારી વિદ્યાર્થીઓને સોંપવામાં આવી હતી.

- text

આ પ્રક્રિયામાં ધો. 3 થી 8ના બધા બાળકો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ મત મેળવી શાળાના જી. એસ. તરીકે વ્રજ દિલીપભાઈએ જીત મેળવી હતી. જ્યારે બઘા મંત્રીઓ માં સૌથી વધુ મત મેળવી કિશન હરેશભાઈ કણઝરીયા રમત-ગમત મંત્રી બન્યા હતા.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન પરેચા ત્રિલોકભાઈ તેમજ પરેશભાઈ ભુવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. SMC અધ્યક્ષ હસમુખભાઈ દ્વારા દરેક બાળકોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કરવા બદલ શાળાના આચાર્ય પટેલ કીર્તીભાઈએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

- text