મોરબીમાં 95 જર્જરિત ઇમારતો જૂનાગઢ જેવી દુર્ઘટના સર્જે તેવો ખતરો ! 

જુના મોરબીમાં જ 95 અસામીઓને નોટિસ બાદ તંત્ર સંતોષ માની પાણીમાં બેસી ગયું : શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનો પણ જોખમી 

મોરબી : મોરબીની મચ્છુ જળ હોનારત અને ભૂકંપની કારમી થપાટ બાદ ખાસ કરીને મોરબીના જુના વિસ્તારોમાં જર્જરિત જોખમી બિલ્ડીંગો ખતરો બની ગયા હોય મોરબીમાં પણ જૂનાગઢ જેવી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ મોરબી નગરપાલિકા દ્વારા આવી 95 જોખમી ઇમારતોને અગાઉ બે દિવસમાં તાત્કાલિક હટાવી લેવા આદેશ કર્યો હતો છતાં મકાન માલિકોએ આ નોટિસને ગણકારી ન હોય ફરી એકવાર પાલિકા દ્વારા નોટિસ ફટકારવા તજવીજ હાથ ધરાઈ છે.જો કે મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં પણ અનેક મકાનો જોખમી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના દરબારગઢ, ગ્રીનચોક, સાવસર પ્લોટ સહિતના ઓલ્ડ મોરબી વિસ્તારમાં અનેક જૂની પુરાણી જોખમી બિલ્ડીંગો આવેલી છે, ખાસ કરીને દર વર્ષે ચોમાસુ આવે ત્યારે પાલિકા તંત્ર આવા બિલ્ડીંગોને હટાવવા મામલે કાગળ ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કરે છે ત્યારે આ વર્ષે પણ મોરબી પાલિકના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવા 95 જોખમી બિલ્ડિંગને તાકીદે હટાવવા નોટિસ ફટકારી હતી પરંતુ આ નોટિસ બાદ પણ એક પણ જર્જરિત ઇમારત હટાવવા માટે મકાન માલિકો દ્વારા તસ્દી લેવામાં આવી નથી.

જો કે, મોરબી નગરપાલિકા દ્વારા જે 95 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે તેમાં મોટાભાગના ઇમારત માલિકો મુંબઈ, અમદાવાદ કે અન્ય કોઈ શહેરમાં રહેતા હોવાનું અને આવા બિલ્ડિંગમાં હાલમાં ભાડુઆતો રહેતા હોય આવા જોખમી બિલ્ડીંગ હટવા સામે પ્રશ્નાર્થ ખડા થયા છે, ત્યારે મોરબી નગરપાલિકાએ હાલમાં તો માત્ર નોટિસ આપી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જર્જરિત બાંધકામો તોડી પાડવા અથવા જર્જરિત ભાગ ઉતારી લેવા મામલે કહ્યું હતું કે નિયમ મુજબ જર્જરિત બાંધકામોને તોડી પાડવા માટે ત્રણ નોટિસ આપવાની જોગવાઈ છે જે અન્વયે અગાઉ એક નોટિસ અપાય બાદ હવે બીજી નોટિસ ફટકારવા તજવીજ ચાલુ છે. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે તાજેતરમાં જૂનાગઢ ખાતે દુર્ઘટના સર્જાઈ તેવી જ દુર્ઘટના મોરબીમાં બને તો જવાબદાર કોણ ? નોંધનીય છે કે, મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ અનેક મકાનો જોખમી હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે આ દિશામાં પણ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.