ફરી એકવાર જુદી જુદી સમસ્યાના ઉકેલ માટે ચાર હેલ્પલાઇન નંબરો જાહેર કરતી મોરબી પાલિકા

- text


ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ મોબાઈલ નંબરો જાહેર કરાયા, સ્વંભંડોળ ખાલીખમ હોવાથી કરદાતાઓ પાસે ખોળો પથરતા ધારાસભ્ય

મોરબી : મોરબી નગરપાલિકાની તાજેતરમાં સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં નગરપાલિકાએ ફરી એકવાર જુદી જુદી સમસ્યાના ઉકેલ માટે ચાર હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. જેમાં ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ મોબાઈલ નંબરો જાહેર કરાયા છે. જો કે થોડા સમય પહેલા હેલ્પલાઇન નંબર જાહેર કરેલા પણ એનો ફિયાસ્કો થયો હતો. હવે ફરી પાછું હેલ્પલાઇન નંબર જાહેર કરતા આ ચારેય કર્મચારીઓ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.

મોરબી નગરપાલિકાના વહીવટીદાર એન. કે. મુછારે જણાવ્યું હતું કે, શહેરીજનોની જુદી જુદી સમસ્યાઓની ફરિયાદો નોંધાવવા માટે વર્ષોથી જનરલ નંબર 02822220551 અસ્તિત્વમાં જ છે. આ નંબર ઉપર ફરિયાદ કરો અને કામ ન થાય તો એના માટે પાલિકાની જુદી જુદી શાખાઓ જેવી જે ગટર, પાણી, કચરા કલેક્શન અને લાઈટના કર્મચારીઓના પર્સનલ નંબર જાહેર કર્યા છે. જેમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કૃષ્ણસિંહ-9824926031, ભૂગર્ભ ગટર માટે બુચભાઈ-7778879876, સ્ટ્રીટ લાઈટ માટે પાટીલભાઈ- 8238666244 અને પીવાના પાણી માટે-9974800942 ઉપર લોકો પોતાની ફરિયાદ કોલ કરીને અથવા વ્હોટ્સઅપ પર નોંધાવીને ફ્લોઆપ પણ લઈ શકશે. જ્યારે ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ ગટરમાં અમુક લોકો કચરો નાખતા હોય એને કચરો ન નાખવા તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવાનું તેમજ ફરિયાદ હોય તો ઉપરના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે. જ્યારે ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું હતું કે, આજે સંકલન બેઠકમાં કઈ ગ્રાન્ટ ક્યાં વાપરી અને ક્યાં ક્યાં કામો કરવા તેના આયોજન બાબતે ચર્ચા કરાઈ હતી. જો કે નગરપાલિકામાં સ્વભંડોળ જ નથી. માત્ર 7 લાખ જ હોય એમાંથી સફાઈ કર્મીઓનો પગાર ચૂકવવો, લાઈટ, પાણી બિલો ભરવાના હોય એમાં પણ તુંટો આવે છે. આ ખર્ચા સામે 30 ટકા જ રકમ છે. એટલે નગરજનો જુના વર્ષોથી કરવેરા બાકી હોય તે ભરી દેવાનું જણાવી સરકારની ગ્રાન્ટમાંથી 10માં મહિનાથી અંદાજે 50 કરોડના કામો કરવાનું જણાવ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય છેલ્લા બે મહિનાથી સંકલનની બેઠક કરે છે. પણ એનું પરિણામ યોગ્ય આવતું નથી. અગાઉ હેલ્પલાઇન જાહેર કર્યા એમાં થોકબંધ ફરિયાદ સામે પાલિકાએ કઈ કામ જ ન કરતા એ હેલ્પલાઇન નંબરનું સિરસુરીયું થઈ ગયું હતું. હવે પાછા હેલ્પલાઇન નંબર જાહેર કરીને લોકોને ફરી ઉલ્લુ બનાવવા માંગે છે કે શું ? કારણ કે જો નગરપાલિકાની યોગ્ય દાનત હોય તો વગર હેલ્પલાઇને ફિલ્ડમાં જઈને કામ કરી શકાય પણ તંત્રએ આવી રીતે કામ સૂઝતું નથી. ખરેખર નગરપાલિકાના ગટર અને કચરા કલેક્શનમાં સ્ટાફ ઓછો છે. જે ફરિયાદોને પહોંચી વળે એમ જ નથી. એથી દરરોજની ગટર અને કચરાની નગરપાલિકામાં આજની તારીખે ઘણી ફરિયાદ આવે છે. પણ એ ફરિયાદ ઉકેલી શકે તેટલો સ્ટાફ જ નથી. એટલે પહેલા સ્ટાફની ભરતી કરીને આ સમસ્યાઓ ઉકેલી શકાય એમ છે તેવો જાગૃત નાગરિકોનો મત છે.

- text