મોરબી જિલ્લા HTAT મુખ્ય શિક્ષકોનું અધિવેશન યોજાયું

- text


પાંચેય તાલુકા અને જિલ્લા ટીમના હોદ્દેદારોની ત્રણ વર્ષની અવધિ માટે સર્વસંમતિથી વરણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં કાર્યરત HTAT મુખ્ય શિક્ષકોનું અધિવેશન તેમજ ચોથી સાધારણ સભા રવાપર તા. શા. ખાતે યોજવામાં આવેલ હતી.મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરચર તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા ઉપસ્થિત રહ્યા હતા.

ચેરમેને મોરબી જિલ્લાના મુ.શિ.ઓની ફરજપરસ્તીને બિરદાવીને તમામ સહકારની ખાત્રી સાથે શુભેચ્છા આપી હતી. જિ. પ્રા. શિ. અધિકારીએ પ્રાથમિક શિક્ષણમાં આ સંવર્ગની આવશ્યકતા અને શાળા સંચાલન તેમજ શિક્ષણની ગુણવત્તામાં એમના ફાળાની નોંધ લેતા શુભેચ્છાઓ આપી હતી. મુ. શિ. અધિવેશનમાં દાહોદથી પધારેલા સૂચિત રાજ્ય સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીએ મોરબી યુનિયનની એકતાને બિરદાવતા કહ્યું હતું કે આપણા પ્રશ્નોને આપણે જાતે જ ઉકેલવા પડશે. આપણને કોઈ સાથે કશો વિરોધ નથી. છેલ્લા બાર વર્ષથી જો બદલી જેવો એક પ્રશ્ન પણ ઉકેલી શકાતો ન હોય તો આપણા પ્રશ્નો માટે આપણે જ જાગૃત થઈને વિચારવું રહ્યું. વિભાગનો સહયોગ પણ આપણી એકતા પર અવલંબે છે.

ભાવનગરના મહુવાથી આવેલા રાજ્ય સંઘ મહામંત્રી સંજયભાઈ રાઠોડે આ સંવર્ગની સમીક્ષા કરતા કહ્યું કે આપણે ફરજમાં ક્યાંય પીછેહટ કરતા નથી. શાળાઓમાં ટેકનોલોજીના ઉપયોગનું મોટું શ્રેય HTAT મિત્રોને જાય છે. આપણા પ્રશ્નોના નિરાકરણ માટે આપણે જ સંગઠીત રહીને કાર્ય કરવું પડશે. મોરબી જિ. સંઘનો સહકાર અમારો ઉત્સાહ અને વિશ્વાસ વધારી રહ્યો છે. આપ સૌની સંગઠન શક્તિ ઉદાહરણરૂપ છે. આજના કાર્યક્રમમાં જિલ્લાના પાંચેક મુ.શિ.ને વિશિષ્ટ કાર્ય પ્રવૃત્તિ બદલ મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા. આજના અધિવેશનમાં ઉપસ્થિત રહેલા અન્ય જિલ્લાના આગેવાનોમાં ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, જામનગર, દાહોદ, છોટા ઉદેપુર, પોરબંદર, અમદાવાદનો સમાવેશ થાય છે.

યુનિયનના પ્રશ્નોની ચર્ચા દરમિયાન મોરબી સંઘ વતી મનનભાઈ બુદ્ધદેવે આજ સુધીના ઠરાવોના અભ્યાસ પછી અમુક નિર્ણયો કઈ રીતે થવા જોઈએ એનું વિગતવાર વર્ણન કર્યું હતું. મહેમાનોનું સ્વાગત, આવકાર અને અધીવેશનનો હેતુ મોરબી જિ. સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણિયાએ રજૂ કર્યો. તેમજ પૂર્ણ સહકારની ખાત્રી સાથે આભારવિધિ મોરબી મુ.શિ. સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણીએ કરી હતી. આજે પાંચેય તાલુકા અને જિલ્લા ટીમના હોદ્દેદારોની ત્રણ વર્ષની અવધિ માટે સર્વસંમતિથી વરણી કરવામાં આવી. એક સો જેટલા મુ.શિ. ભાઈબહેનોના આ કાર્યક્રમનું સંચાલન મેરૂપર (હળવદ)ના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિનર મુ.શિ. અને સફળ એન્કર ધનજીભાઈ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમ આયોજન અને ભોજન વ્યવસ્થા માટે હિરેનભાઈ ધોરીયાણી, રાવતભાઈ કાનગડ અને અશ્વિનભાઈ રાઠોડ સહિતની તાલુકા ટીમે જહેમત ઉઠાવી હતી.

- text

- text