મોરબીમાં તંત્ર પર આધાર રાખવાને બદલે જાતે જ રોડની મરમત્ત કરતા બુઝુર્ગો

- text


આલાપ રોડથી આગળના મેઈન રોડ ઉપર પડેલા ખાડાને બુરવા જાતે જ પાવડા તગારા લઈને શ્રમદાન કર્યું

મોરબી : મોરબીમાં વરસાદમાં રોડ ઉપર પડી ગયેલા ખાડાને બુરવા તંત્ર પર આધાર રાખવાને બદલે ખુદ જ રોડને રીપેર કરવા મોટી વયના બુઝુર્ગો આગળ આવી રહ્યા છે. વૃદ્ધોના શ્રમદાનના વધુ એક કિસ્સામાં આલાપ રોડથી આગળ આવેલા મેઈન રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી તંત્ર ઉપર આધાર રાખવાને બદલે ચાર બુઝુર્ગો પાવડા તગારા લઈને રોડને રીપેર કરવા મંડી પડ્યા હતા અને ખાસ્સો સમય સુધી શ્રમદાન કરીને રોડને ચાલવા યોગ્ય બનાવ્યો છે.

મોરબીના પોશ વિસ્તાર ગણાતા આલાપ રોડની આગળના મેઈન રોડની વરસાદમાં પથારી ફરી ગઈ હતી. આ રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા હતા. રોડ એટલો બદતર બની ગયો હતો કે ચાલવા યોગ્ય પણ રહ્યો ન હતો. આથી આલાપ રોડ ઉપર આવેલા પટેલનગરમાં રહેતા 65થી 70 વર્ષની વયે ધરાવતા ચાર બુઝુર્ગો રતીભાઈ મેરજા, શાંતિભાઈ જાકાસણીયા,મણીભાઈ બાવરવા, રસિકભાઈ ઠોરિયાએ રોડની હાલત જોઈને જાતે રોડ રીપેર કરવાનું નક્કી કરીને એજ ક્ષણે પાવડા તગારા લઈને મંડી પડ્યા હતા. એક વૃદ્ધ માથે મેટલ ભરેલા તગારા લઈને આવે અને બીજા વૃદ્ધો રોડના ખાડા ઉપર મેટલ પાથરીને ખાડા બુરતા આ રીતે ખાસ્સો સમય સુધી શ્રમદાન કરીને રોડ પરના તમામ ખાડા ખૂબ જ વ્યવસ્થિત રીતે બુરી નાખ્યા હતા. તે દરમિયાન મોરબી અપડેટના વાચક સચિનભાઈ શુક્લ ત્યાંથી નીકળતા રોડને રીપેર કરતા વૃદ્ધોની મહેનત જોઈને આ અંગે મોરબી અપડેટનું ધ્યાન દોર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વૃદ્ધોએ રોડ રીપેર કર્યાનો આ ત્રીજો બનાવ છે.હમણાંથી વૃદ્ધો તંત્રનું કામ જાતે જ કરી રહ્યા છે. આ વૃદ્ધોએ કહ્યું હતું કે, અત્યારે અમારી ઉંમર 70 વર્ષ જેવી થઈ ગઈ છે. પણ હજુ કડેઘડે છીએ. યુવાન વયે ઘણો શારીરિક શ્રમ કર્યો છે. એ ભૂલ્યા નથી. બીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને મુકપ્રેક્ષક બની રહેવા કરતા અમને પણ અમાંરા વડીલો પાસેથી જે તે સમસ્યાનો જાતે જ ઉકેલ લાવવા બને તેટલી તમામ મહેનત કરી લેવાના સંસ્કારો મળ્યા છે.આ દેખાડવા માટે નહીં પણ જાતે સમસ્યાનો અંત કેવી રીતે લાવી શકાય અને અમારી સમસ્યા અમે હલ કરવા સક્ષમ છીએ તેમજ તંત્ર જેટલી જ આપણી જવાબદારી બને છે તેવો નાગરિક ધર્મ અદા કરવા આ કાર્ય કર્યું છે.

- text

 

- text