પ્રવાસન વિભાગના પટ્ટાવાળાનો 22 વર્ષનો અડધો પગાર અને અન્ય ભથ્થા અટકાવી દેવાયાના આક્ષેપ

- text


ખોટા લાંચ કેસમાં ફસાવી દીધા બાદ તેઓ નિર્દોષ પણ જાહેર થઈ ગયા, છતાં પણ હક્કનું મહેનતાણું અટકાવી દેવાયું, અનેક રજુઆત છતાં કોઈ ન્યાય અપાવવા આગળ ન આવતું હોવાની રાવ

મોરબી : મોરબીના પ્રવાસન વિભાગના પટ્ટાવાળાનો 22 વર્ષનો અડધો અડધ પગાર કાપી લીધા બાદ નિવૃત્તિ બાદમાં ભથ્થા પણ અટકાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ આ નિવૃત કર્મચારી આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા હોય સરકાર સમક્ષ ન્યાય માંગી રહ્યા છે.

મોરબીના મચ્છુનગર કંડલા બાયપાસ પાસે દલવાડી હોટેલની પાછળ રહેતા ઇન્દુભાઈ ભરવાડ જેઓ ગુજરાત પ્રવાસન નિગમમાં વર્ગ-4ની કેડરમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જણાવે છે કે વર્ષ 2000માં તેઓની સામે ખોટો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં 1000 લીધાની પહોંચ આપવામાં આવી હતી. છતાં લાંચ ગણવામાં આવી હતી. આ કેસમાં તેઓને ફસવવામાં આવ્યા હતા. જેથી તેઓની દૂરના સ્થળે અવારનવાર બદલીઓ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ 2022 સુધી નોકરી કરી હતી. બાદમાં નિવૃત થયા હતા. છેલ્લા 22 વર્ષથી તેઓનો 50 ટકા પગાર કપાયો છે. ઉપરાંત બાકીના ભથ્થા અટકાવી દેવામાં આવ્યા છે.

- text

તેઓએ નિગમ પાસેથી માહિતી માંગી કે ભથ્થા કેમ અટકાવ્યા છે તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ કેસમાં તેઓને નિર્દોષ પણ ઠેરવવામાં આવ્યા છે. એમ છતાં ભથ્થા અટકાવી હેરાન કરવામાં આવી રહ્યા છે. તેઓએ સરકારમાં અવરનવાર રજુઆત કરી છે. પણ તેઓને ન્યાય મળી રહ્યો નથી. તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

- text