જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : આજે તારીખ 21 જૂને મોરબી જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા અદાલત મોરબીના કોર્ટ કમ્પાઉન્ડમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના ચેરમેન તેમજ જિલ્લા ન્યાયાધીશ પી. સી. જોષી, ફૂલ ટાઈમ સેક્રેટરી બી. એસ. ગઢવી, અન્ય ન્યાયાધીશો, ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટ્રાર અલકેશ દવે, જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વી. એમ. જેઠલોજા તેમજ જિલ્લા અદાલતનો સમગ્ર સ્ટાફ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના યોગ બોર્ડના નિષ્ણાત ટ્રેનર અને યોગ ગુરુ ચાંદનીબેન નરેન્દ્રભાઈ ધોરીયાની અને શૈલેષભાઈ કારીયાએ હાજર સર્વે લોકોને યોગથી થતાં ફાયદા અને સ્વાસ્થ્ય માટે તેમજ મનની એકાગ્રતા માટે ધ્યાન તથા યોગનું મહત્વ સમજાવ્યું હતું તેમજ અલગ અલગ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરાવ્યો હતો.

આ તકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના ચેરમેન તેમજ જિલ્લા ન્યાયાધીશ સાહેબ પી. સી. જોષી સાહેબે નિયમિત રીતે યોગના અભ્યાસથી તણાવમુક્ત રહી શકાય છે અને સંતુલિત જીવન જીવી શકાય છે તેમ જણાવી શારીરિક અને માનસિક સ્વસ્થ રહેવા નિયમિત યોગ કરવા સલાહ આપી હતી.

- text

- text