શોર્ટ વિડીયો, રીલ ડ્રગ્સ કરતા પણ ખતરનાક : સ્ટડી રિપોર્ટ

- text


8વર્ષથી લઈ 23 વર્ષના લોકો સરેરાશ ત્રણ કલાકનો સમય શોર્ટ વિડીયો પાછળ બગાડે છે : શોર્ટ વિડીયો, રીલ આજની યુવાપેઢી માટે અત્યંત ઘાતક હોવાના ચોંકાવનારા તારણો બહાર આવ્યા

મોરબી : આજના સમયમાં લોકોને ટાઇમપાસનુ હાથવગું હથિયાર મોબાઈલ છે જેમાં ખાસ કરીને 8વર્ષથી લઈ 23 વર્ષ સુધીના વયજૂથના લોકો મોબાઈલમાં સૌથી વધુ સમય સુધી શોર્ટ વિડીયો કે વિડીયો રીલ જોતા હોય છે ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલા સ્ટડી રિપોર્ટમાં શોર્ટ વિડીયો કે વિડીયો રીલ ડ્રગ્સ કરતા પણ વધુ ખતરનાક હોવાનું અને સતત વિડીયો રીલ જોવાથી મગજમાંથી ડોપામાઈન રિલીઝ થતા હોવાનું અને ધીમે ધીમે તે વ્યક્તિને બંધાણી બનાવતું હોવાનું ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે.

આઇએમ ગુજરાતના રિપોર્ટ મુજબ વડોદરાની એમએસ યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં ખુલાસો થયો છે કે, આજની પેઢી દરરોજ લગભગ ત્રણ કલાક માત્ર ફ્રી વીડિયો-શેરિંગ એપ્સ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો જોવામાં વિતાવે છે. સ્ટડીમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓ 60 સેકન્ડની રીલ્સ અથવા 15 સેકન્ડની ક્લિપ્સ જોવા માટે સ્માર્ટફોન પર ટોટલ સ્ક્રીન સમયના પાંચ કલાકમાંથી 60 ટકા સ્પેન્ડ કરે છે. દરેક રીલ લગભગ 15 સેકન્ડની હોય છે, વિદ્યાર્થીઓ નિયમિત 1.5 કલાકથી 2 કલાકના સમયમાં આશરે 360થી 480 રીલ્સ જુએ છે. આ તમામ પ્લેટફોર્મ પર અમર્યાદિત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે જેવા ફીચર્સના કારણે કન્ટેન્ટના ઉપયોગને સરળ બનાવે છે અને યૂઝર્સ લાંબા સમય સુધી તેમા વળગેલા રહે છે.

વધુમાં સ્ટડી રિપોર્ટ મુજબ આ વર્તન તેમની એકાગ્રતાને નુકસાન પહોંચાડે છે, તેમના ધ્યાનના સમયમાં ઘટાડો કરે છે તેમજ તેમની ઓવરઓલ હેલ્થને પણ નુકસાન પહોંચાડે છે, Bscના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ 329 વિદ્યાર્થીઓ પર સ્ટડી કર્યું હતું. ‘આ પ્લેટફોર્મ યૂઝરના રસના આધારે કન્ટેન્ટને પર્સનલાઈઝ કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જે તેમને ક્યારેય ખતમ ન થતાં વીડિયોની સાયકલ સાથે જોડી દે છે’, તેમ પ્રોફેશનલ રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું, જેમણે ‘શોર્ટ વીડિયો એન્ડ સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ: એન ઈન્વેસ્ટિગેશન’ના ટાઈટલ હેઠળ સ્ટડી કર્યું હતું.

- text

સૌથી નવાઈની વાત તો એ છે કે, 65 ટકા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી વીડિયો જોયા બાદ દોષભાવ અને ઉદાસીનતા અનુભવે છે. ‘દરેક વીડિયો મગજમાં ડોપામાઈન રિલીઝ કરે છે, જે વ્યક્તિને ડ્રગ જેવા એડિક્ટિવ બનાવતુ હોવાનું રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. આ એડિક્શન યુવાનોને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી ભાગવામાં મદદ કરે છે.મજાની વાત તો એ છે કે છોકરીઓની સરખામણીમાં 60 ટકા છોકરાઓ લાંબા સમય સુધી શોર્ટ વિડીયો જુએ છે, જેનો સમયગાળો આશરે 2થી 3 કલાક હોય છે, જે શોર્ટ વીડિયોના વ્યસની થવામાં લિંગ-આધારિત તફાવત દર્શાવે છે.

શુભમ સિંહ, ખુશાલી સૌમ્યા, મોહમ્મદ અંજુમ, શુભમ ભાવસાર અને અતુલ સહાનીએ કરેલા સર્વેમાં 55% પુરૂષ અને 45% મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ‘આ રિસર્ચ સૂચવે છે કે વધુ પડતા વપરાશથી નકારાત્મક લાગણીઓ ફરી વળે છે કારણ કે વિદ્યાર્થીઓને બાદમાં તેમનો સમય બગાડવાનો પસ્તાવો કરે છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.લગભગ 75 ટકા વિદ્યાર્થીઓએ તેઓ પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય પસાર કરતા હોવાનું સ્વીકાર્યું હતું તો 65 ટકાએ શોર્ટ વીડિયો જોવાના કારણે તેમની ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, મોબાઈલ સ્ક્રીનમાંથી આવતી બ્લૂ લાઈટ વિદ્યાર્થીઓની ઊંઘની ગુણવત્તા માટે હાનિકારક સાબિત થઈ રહી છે, કારણ કે ઓવર એક્સપોઝર ખાસ કરીને અંધારામાં મેલાટોનિન હોર્મેનના ઉત્પાદનને ઘટાડે છે, જે ઊંઘને નિયંત્રિત કરે છે. જે વિદ્યાર્થીઓ રાતે વીડિયો જોતા હતા તેમના તરફથી અપૂરતી ઊંઘની ફરિયાદ મળી હતી. ‘અપૂરતી ઊંઘ એકાગ્રતામાં ઘટાડો કરે છે જે તેમના શૈક્ષણિક પર્ફોર્મન્સ પર અસર કરે છે’, તેમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.વધારે શોર્ટ વીડિયો જોતા વિદ્યાર્થીઓ લેક્ચર અને રીડિંગ મટિરિયલ્સ જેવા લાંબા કન્ટેન્ટમાં પોતાનું ધ્યાન પરોવી શકતા નથી.સ્ટડી રિપોર્ટમાં જોડાયેલ મોટાભાગના વિદ્યાર્થીઓમાં એકાગ્રતાના સમયમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાક અગાઉ કરેલા સ્ટડીમાં પણ જાણવા મળ્યું હતું કે, મનુષ્યનું ધ્યાન 12 સેકન્ડથી ઘટીને 8 સેકન્ડ થયું છે.

- text