તો… આખું મોરબી સ્વચ્છ બને ! જીઆઇડીસીમા એંઠવાડ ફેંકી જનાર ઢોસા વાળાની ખો ભુલાવી દેતા સ્થાનિકો

- text


જાત મહેનતે જીઆઇડીસી ચોખ્ખી ચણાક રાખતા નાગરિકોએ સ્કૂટર નંબરના આધારે એંઠવાડ ફેંકી જનારને શોધી કાઢી એંઠવાડ ઉપડાવ્યો

મોરબી : મોરબી જીઆઇડીસી વિસ્તારમાં એસોસિએશન દ્વારા સ્વખર્ચે સફાઈ વ્યવસ્થા કરાવી આખા વિસ્તારને નમૂનેદાર બનાવાયો છે ત્યારે ગઈકાલે બપોરે કોઈ શખ્સો અહીં એઠવાડના બાચકા ભરીને ફેંકી જતા સ્થાનિકોએ તાત્કાલિક સીસીટીવીની મદદથી એંઠવાડ ફેંકી જનાર મદ્રાસી ઢોસા વાળાને ઓળખી કાઢી ગંદકી ઉપડાવી ભવિષ્યમાં આવી ભૂલ નહિ કરવા ચેતવ્યો હતો.

મોરબી શહેરમાં નગરપાલિકાની ઉદાસીનતાને કારણે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે મોરબીના જીઆઇડીસી વિસ્તારમાં નગરપાલિકાએ સફાઈ વ્યવસ્થામાં હાથ ઊંચા કરી દેતા આખા વિસ્તારમાં જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન દ્વારા સ્વખર્ચે સાફસફાઇ કરી આખા વિસ્તારને ચોખ્ખો ચણાક રાખવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે કોઈ એક્ટિવમાં આવેલા શખ્સો અહીં એંઠવાડના બાચકા ભરીને ફેંકી જતા સામાન્ય લાગતી આ બાબતને ગંભીરતાથી લઈ સ્થાનિક નાગરિકોએ સીસીટીવીની મદદથી એંઠવાડ ફેંકી જનારની તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ સીસીટીવીમા દેખાતા સ્કુટરના નંબરના આધારે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશનના સભ્યોએ એંઠવાડ ફેંકી જનાર બીજું કોઈ નહિ પરંતુ રાજુ મદ્રાસી ઢોસા વાળાના માણસો હોવાનું બહાર આવતા તેમને તાત્કાલિક બોલાવી એંઠવાડ તેમની પાસે જ ઉપડાવી ભવિષ્યમાં આવી ભૂલ નહિ કરવા ચેતવણી આપી હતી. આ સંજોગોમાં મોરબીના નાગરિકો જો આવી જ જાગૃતતા દાખવે અને જાહેરમાં એંઠવાડ ફેકતા લોકોને રોકે તો મોરબી ખરા અર્થમાં સ્વચ્છ બની શકે !

- text

- text