મોરબી નવા બસસ્ટેન્ડનું કાલે કોંગ્રેસ લોકાર્પણ કરશે !

- text


કોંગ્રેસના અલ્ટીમેટમ બાદ પણ તંત્ર ન જાગતા કોંગ્રેસે લોકાર્પણ કરવાની જાહેરાત કરી જનતાને હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું

મોરબી : મોરબીનું નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં સરકાર કે કોઈ નેતા દ્વારા હજુ સુધી ઉદઘાટન ન કરાતા ધૂળ ખાઈ રહેલા નવા બસસ્ટેન્ડનું આવતીકાલે શનિવારે લોકાર્પણ કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખુલ્લું મુકવાની જાહેરાત કરી છે. સાથે-સાથે કોંગ્રેસે જાહેર જનતાને હાજર રહેવા પણ આમંત્રણ પાઠવ્યું છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડને કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવામાં આવ્યું છે. છેલ્લા છ-સાત મહિનાથી આ બસ સ્ટેન્ડ એકદમ તૈયાર હોવા છતાં લોકપર્ણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. જેથી તૈયાર બસ સ્ટેન્ડનો લાભ ન લઈ શકતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બીજી તરફ અનેક રજુઆત કરવા છતાં આ બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા માટે સરકારની ઉંઘ ન ઉડતા અંતે મોરબી જિલ્લા કોંગ્રેસ મેદાને આવ્યું છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ થોડા સમય અગાઉ કલેકટરને આવેદન પાઠવી જો બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા માટે શાસક પક્ષના નેતાઓને ફૂરસદ ન હોય તો કોંગ્રેસ આ બસ સ્ટેન્ડને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે તેવી ચીમકી આપી હતી.

- text

દરમિયાન આજે જિલ્લા કોંગ્રેસ સમિતિએ અગાઉ આપેલી ચીમકી મુજબ આવતીકાલે તા.13ના રોજ સવારે 11-30 વાગ્યે નવા બસ સ્ટેન્ડનું ઉદઘાટન કરવાની જાહેરાત કરી છે અને જાહેર જનતાને અને અધિકારીઓને પણ હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું છે. આ સંજોગોમાં શાસક પક્ષને બદલે વિરોધ પક્ષમાં રહેલા કોંગ્રેસના અગ્રણીઓ કાલે ખરેખર નવા બસ સ્ટેન્ડનું ઉદઘાટન કરી શકશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

- text