તારે જીવવું છે ને ? બે લાખ આપી દેજે નહીં તો પેરોલ ઉપર આવીશ એટલે પતાવી દઈશ 

- text


ડબલ મર્ડર કેસના આરોપીએ જેલમાં બેઠા બેઠા ફોન કરી મોરબીના વૃદ્ધ પાસે બે લાખની ખંડણી માંગી 

મોરબી : મોરબીમાં છેલ્લા આઠ દસ દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબીના વૃદ્ધને ડબલ મર્ડર કેસના આરોપીએ જેલમાં બેઠા બેઠા ધમકી આપી ત્રણ દિવસમાં રૂપિયા બે લાખ આપજે નહીં તો પેરોલ ઉપર આવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મોરબી જેલમાં ચાલી રહેલી લોલમલોલ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે, હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વિસીપરામાં રમેશ કોટન મિલમાં રહેતા અને મીલના ઝાંપા પાસે લાકડાનો ડેલો ચલાવતા હરગોવિંદભાઈ દયારામ ચૌહાણ નામના વૃદ્ધે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કરું હતું કે, ગઈકાલે હું મારા લાકડાના ડેલો હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં એક અજાણ્યો વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે આલ્યો આ ફોનમાં વાત કરો જેથી હરગોવિંદભાઈએ કહ્યું હતું કે તમે કોણ છો ? જેથી આ વ્યક્તિએ કહ્યું હતું કે, હું ડાડાભાઈનો નાનોભાઈ અલ્લારખાભાઇ તાજમામદ જેડા તમે ફોનમાં વાત કરો.

- text

જેથી હરગોવિંદભાઈ દયારામ ચૌહાણે ફોનમાં વાત કરતા સામે વાળી કહ્યું હતું કે, હું ડાડો જેડા બોલું છું, ફારૂક મેમણ અને તેના દીકરાનું ખૂન કર્યું એ ડાડો જેડા બોલું છું, તને બહુ હવા છે ? મારો માણસ તારી પાસે આવ્યો ત્યારે તે કેમ રૂપિયા ન આપ્યા ? હવે તારે શું કરવાનું છે ? આ મારો ભાઈ અલ્લારખો આવ્યો છે તેને તું ત્રણ દિવસમાં ગમે ત્યાંથી બે લાખ આપી દેજે ! જેથી હરગોવિંદભાઈએ શેના પૈસા આપવાના તેમ કહેતા ડાડો બેફામ ગાળાગાળી કરી તારે જીવવાનું હોય તો રૂપિયા આપી દેજે નહીં તો હું પેરોલ ઉપર આવીશ ત્યારે તને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

વધુમાં હરગોવિંદભાઈએ ડાડાને કહ્યું હતું કે, અગાઉ તો બે વખત તને રૂપિયા આપ્યા હવે આટલા બધા રૂપિયા હું તમને નહીં આપી શકું તેમ જણાવતા ફરી ડાડાએ હરગોવિંદભાઈને ગાળો આપી કહ્યું હતું કે હું તો જેલમાં છું પરંતુ મારાભાઈઓ ટકી, જલાલ અને અલ્લારખો બહાર છે તો તારું જીવવું મુશ્કેલ થાશે તેવી ધમકી આપતા અંતે આજે હરગોવિંદભાઈએ હિંમત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ખંડણી મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 384, 387, 504, 506 (2), 507 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text