મોરબીમાં ફરી સીટી બસ બંધ ! ધારાસભ્યની સૂચના છતાં પાલિકાએ બિલ ના ચૂકવ્યુ

- text


પાલિકા પ્રમુખે નાણાંનું બિલ અટકાવતા કોન્ટ્રાક્ટરે ફરીથી સીટી બસોના બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબી નગરપાલિકાની સીટી બસ છેલ્લા અઠવાડિયામાં બીજી વખત ખોરવાઈ ગઈ છે. અગાઉ સીટી બસના કોન્ટ્રાકટરે પાલિકા સીટી બસ માટે જરૂરી નાણાં ચૂકવતી ન હોય ગેસ માટે પૈસા ન બચતા થોડા સમય પહેલા સીટી બસ સેવા બંધ કરી હતી ત્યારે ધારાસભ્ય અમૃતિયાએ સૂચના આપીને સીટી બસ ચાલુ કરાવી હતી. ધારાસભ્યની સૂચના છતાં પાલિકાએ બિલ ના ચૂકવતા ફરીથી સિટી બસ સેવા ઠપ્પ થઈ ગઈ છે.

મોરબી નગરપાલિકાની સીટી બસને કોન્ટ્રાકટર અને પાલિકાના સત્તાધીશો વચ્ચેના ગજગ્રાહને કારણે ગ્રહણ લાગ્યું છે. થોડા સમય અગાઉ સીટી બસના કોન્ટ્રાકટરે પાલિકા સીટી બસ ચલાવવા માટે નાણા ચૂકવતી ન હોય સીએનજી ગેસના પણ પૈસા ન હોવાથી સીટી બસ બંધ કરી હતી. ત્યારે લોકો માટે આ સારી સુવિધાને ફરીથી ચાલુ કરવા ધારાસભ્ય અમૃતિયા મેદાને આવ્યા હતા અને તેઓએ કોન્ટ્રાક્ટરને નાણાં ચુકવવાની ખાતરી આપતા સીટી બસ સેવા શરૂ થઈ હતી. જો કે તે વખતે ધારાસભ્યએ નગરપાલિકાને કોન્ટ્રાકટરના પૈસા ચુકવવાની કડક સૂચના આપી હતી. ધારાસભ્યની સૂચના હોવા છતાં નગરપાલિકાએ તેનો અનાદર કરીને નાણા ન ચૂકવતા આજે ફરીથી સીટી બસોના પૈડાંને બ્રેક લાગી ગઈ હતી અને સીટી બસ ફરીથી બંધ થઈ ગઈ છે.

- text

બે દિવસ ચાલુ રહ્યા બાદ સીટી બસ સેવા બંધ થવાનું મુખ્ય કારણ ધારાસભ્યએ જે સૂચના આપી હતી કે કોન્ટ્રાકટરને છ મહિનાનું બાકી પેમેન્ટ ચૂકવવાનું તે નગરપાલિકાએ ન ચૂકવતા આ સીટી બસ સેવા ઠપ્પ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ બીલમાં ચીફ ઓફિસરે સહી કરી દીધી પણ પાલિકા પ્રમુખે સહી ન કરીને પેમેન્ટ અટકાવી દીધું છે.કોન્ટ્રાક્ટરની માંગણી એવી છે કે નગરપાલિકાના સ્વભંડોળમાંથી નહિ પણ સરકાર દ્વારા જે સીટી બસને સહાય આપવામાં આવે છે તે 13 લાખ રૂપિયા નગરપાલિકાને ચૂકવવા આવ્યા છે તે રૂપિયા સીટી બસના કોન્ટ્રાકટરને આપવામાં આવે. જેમાં સરકાર દ્વારા રૂ.12 અને નગરપાલિકા દ્વારા રૂ 19 એક કિમિ દીઠ ચૂકવવા આવે તેવી માંગ કરી હતી.આ મહિનાનું 15 લાખનું બિલને પ્રમુખે ચકાસણી કરવાનું બાકી કહીને ન ચૂકવતા ફરી લોકોની સસ્તા ભાડાની મુસાફરી પર બ્રેક લાગી ગઈ છે. સામે પાલિકા પ્રમુખે તેઓ બહાર હોય આ બીલની ચકાસણી બાદ યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

- text