હળવદમાં જાહેર યુરિનલને અલીગઢી તાળા લટકાવી દેવાયા

- text


પાલિકા સંચાલિત બે યુરિનલમાંથી એકની દરકાર ન લેતું હોય અને હવે બીજું યુરિનલ પણ બંધ કરી દેતા પાલિકાની તાનાશાહીથી લોકોમાં ઉગ્ર આક્રોશ

હળવદ : હળવદ નગરપાલિકાની એકમાત્ર જાહેર યુરિનલને અલીગઢી તાળા લટકાવી દેવાની તાનાશાહીથી લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. હળવદ નગરપાલિકા સંચાલિત માટે બે જાહેર યુરિનલ હોય એમાં એકની દરકાર ન લેતા અને હવે બીજું યુરિનલ પણ બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

હળવદ જેવા મોટા શહેરમાં નગરપાલિકા સંચાલિત માત્ર બે જાહેર યુરિનલ છે. હજારોની વસ્તી સામે આ બે જ જાહેર યુરિનલ હોવા એમ બાબત આજના યુગમાં તંત્ર માટે શરમજનક બાબત છે. એથીય વધુ શરમજનક બાબત એ છે કે, નગરપાલિકાના પાપે આ બેય જાહેર યુરિનલોનો લોકો ઉપયોગ ન કરી શકે તેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. જેની માથે શહેરીજનોને મૂળભૂત સુવિધા આપવાની જવાબદારી છે તે હળવદ નગરપાલિકા લોકોની સુખાકારી અને સુવિધાઓ વધારવાને બદલે હયાત સુવિધા ઉપર પણ તરાપ મારીને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

- text

હળવદ નગરપાલિકા સંચાલિત બે જાહેર યુરિનલમાં એક હળવદના સરા નાકે અને બીજું યુરિનલ હળવદની જૂની મામલતદાર કચેરી પાસે આવેલું છે. આ જૂની મામલતદાર કચેરી પાસે આવેલું જાહેર યુરિનલની તંત્ર સાર સંભાળ જ લેતું ન હોવાથી ઉપયોગ વિનાનું જ કહી શકાય એમ છે. ત્યારે હવે એકમાત્ર બચેલું હળવદના સરા નાકા પાસે આવેલા જાહેર યુરિનલને પણ તાળા મારી દીધા છે. જો કે, અહીંયા બજાર વિસ્તાર હોય હજારો લોકોની અહીં અવરજવર રહેતી હોય આ યુરિનલ લોકો માટે ખૂબ જ ઉપયોગી હતું. ત્યારે હવે આ યુરિનલને નગરપાલિકાએ બંધ કરી દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ફરીથી આ જાહેર યુરિનલ ચાલુ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

- text