મોરબી પાલિકાને સુપરસીડ કરવા મામલે સરકારને હાઇકોર્ટની નોટિસ

- text


ઝૂલતા પુલ કેસમાં કલમ ૨૬૩ હેઠળ હાથ ધરેલી કાર્યવાહી ગેરવાજબી હોવાનો બહુમત સભ્યોનો સુર હાઇકોર્ટમાં રિટ સ્વરૂપે : કલમ -૩૭ હેઠળ જવાબદારો વિરુદ્ધ પગલાં ભરવા રિટમાં માંગ

મોરબી : મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત નીપજવાની કરૂણાંતિકામાં આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર અને કસૂરવાર ઠેરવેલી મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા મામલે રાજય સરકાર દ્વારા ફટકારાયેલી નોટિસને પડકારતી નગરપાલિકાના એક જૂથના સભ્યોની રિટમાં હાઇકોર્ટે રાજય સરકાર, મોરબી કલેકટર સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી આ અંગે ખુલાસો કરવા નિર્દેશ કર્યો છે. સરકારે કલમ-૨૬૩ હેઠળ હાથ ધરેલી કાર્યવાહી ગેરવાજબી હોવાની અને જવાબદારો વિરુદ્ધ કલમ -૩૭ હેઠળ પગલાં ભરવા રિટમાં માંગ કરવામાં આવી હતી.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ફરજમાં ચૂક સામે આવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકારે પણ મોરબી નગરપાલિકાને કાયદાકીય જોગવાઈ હેઠળ સુપરસીડ કરવા માટે નોટિસ જારી કરી હતી અને આ સમગ્ર મામલે નગરપાલિકાના ઠરાવ મુજબ, સભ્યોનો જવાબ માંગવામાં આવ્યો હતો. સરકારની નોટિસ અને કાર્યવાહીને પડકારતી મોરબી નગરપાલિકાના 47 જેટલા સભ્યો તરફથી હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સરકારે તા.૧૩મી ફેબ્રુઆરીએ નોટિસ આપી અને તા.૧૬મી સુધીમાં બે દિવસમાં જ જવાબ માંગ્યો અને એ પણ ઠરાવ મારફતે તો બે દિવસમાં એ કેવી રીતે શકય બને..?

- text

વધુમાં મોરબી નગરપાલિકાને સુપરસીડકરવાની સરકાર પાસે નિશંકપણે સત્તા છે પરંતુ આ સમગ્ર મામલામાં સરકાર દ્વારા મ્યુનિસિપાલિટી એક્ટની કલમ-૩૭ હેઠળ કામગીરી કરવાના બદલે ક્લમ ૨૬૩ હેઠળ અપાયેલી નોટિસ હાલના તબક્કે ગેરવાજબી અને અયોગ્ય ઠરે છે. વિવાદિત ઠરાવ પર સહી કરનાર પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીચેરમેન સામે કલમ-૩૭ હેઠળ પગલાં લઇ શકાય અને કાર્યવાહી થઈ શકે પરંતુ લમ ૨૬૩ હેઠળ અપાયેલી નોટિસ ગેરવાજબી ગણાય. તેથી હાઇકોર્ટે આ મામલે યોગ્ય દરમ્યાનગીરી કરવી જોઇએ તેવી દાદ માંગી સભ્યોએ આ સમગ્ર દુર્ઘટનામાં તેમનો કોઇ વાંક નહી હોવાનો બચાવ પણ રજૂ કર્યો હતો. સભ્યોની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૧૭મી એપ્રિલના રોજ રાખી હોવાનું જાણવા મળે છે.

- text