મોરબીના ખરેડા ગામના લખમણદાદા જીવતા જગતિયું કરશે 

- text


80 વર્ષના દાદાએ પોતાના મૃત્યુ પહેલા જ સ્નેહીજનોને ભાવતા ભોજનિયા કરાવી સુંદરકાંડના પાઠ કરવાનું કહેતા પરિવારજનોએ કર્યું અનેરું આયોજન 

મોરબી : માનવીના જીવનમાં ઈચ્છાઓ ક્યારેય પીછો નથી છોડતી, જીવનકાળ દરમિયાન એક બાદ એક ઈચ્છાઓ જ મનુષ્યના જીવન જીવવાનો મુખ્ય આધાર હોય છે ત્યારે મોરબીના નાના એવા ખરેડા ગામે સંયુક્ત પરિવારમાં લીલીછમ વાડીના વટવૃક્ષ સમાન લખમણદાદાએ જીવનની ઢળતી સંધ્યાએ પોતાના પાછળ વિધિ વિધાન કરવાને બદલે જીવતા જગતિયું કરવા આદેશ કરતા કહ્યાગરા શ્રવણ જેવા બે પુત્રોએ પિતાની ઈચ્છાપૂર્તિ માટે આગામી તા.15ને બુધવારે સુંદરકાંડના પાઠનું આયોજન કરી 1000થી વધુ લોકોને ભાવતા ભોજનિયાં કરવવા સુંદર આયોજન ઘડી કાઢ્યું છે.

આજના આધુનિક સમયમાં સંતાનો જન્મદાતા એવા માતા-પિતાને સાચવવાને બદલે જીવનની ઢળતી સંધ્યાએ હેરાન પરેશાન કરી મુકતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે ગ્રામ્યજીવનમાં હજુપણ શ્રવણ જેવા પુત્રો માતાપિતાના પળ્યાં બોલ જીલી સેવા કરતા હોય છે, મોરબીના નાના એવા ખરેડા ગામે પણ કુટુંબ ભાવના અને વડીલો પ્રત્યેના આદરભાવને પ્રગટ કરતો મજાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં કુટુંબ ભાવના ભાંગી પડી છે અને લોકો વિભક્ત કુટુંબમાં રહેતા થયા છે ત્યારે ખરેડા ગામના 80 વર્ષના લખમણભાઈ રણછોડભાઈ ફેફર વડલાના વૃક્ષની જેમ અડીખમ છે અને પોતાના પત્ની, બે પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર તેમજ પૌત્રવધૂઓ સહીત 11 સભ્યોના સંયુક્ત કુટુંબમાં માનભેર જીવી રહ્યા છે.

- text

ખેતીવાડી સાથે સંકળાયેલા જગતના તાત એવા લખમણભાઈ રણછોડભાઈ ફેફરે 80 વર્ષની ઉંમરે પ્રભુભક્તિમાં લિન થયા છે, જો કે શારીરિક નબળાઈને કારણે લખમણદાદા બહુ હલન ચલણ કરતા નથી છતાં પણ કુટુંબના સભ્યો લખમણદાદાને પૂછ્યા વગર ડગલું ભરતા નથી, જીવનના સંધ્યાકાળે લખમણદાદાએ પોતાના પરિવારને બેસાડી જીવતા જગતિયું કરી સગા,વ્હાલા, કુટુંબીઓને ભાવતા ભોજન કરાવવા કહેતા પુત્ર ચંદુભાઈ અને દેવેન્દ્રભાઈએ પિતાનો પડ્યો બોલ જીલી લઈ આગામી તા.15 માર્ચને બુધવારે ખરેડા ગામે 1000 જેટલા લોકો માટે ભોજન સમારંભ અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરી પિતાની જીવતા જગતીયુ કરવાની ઈચ્છાને સહર્ષ પૂર્ણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, લખમણદાદાના બન્ને પુત્રો ચંદુભાઈ અને દેવેન્દ્રભાઈ પણ ખેતીકાર્ય કરે છે અને પિતાની જીવતા જગતિયું કરવાની ઈચ્છાને પૂર્ણ કરવા વડીલ વંદના અસ્મિતાપર્વ શિર્ષક હેઠળ સુંદર મજાની આમંત્રણપત્રિકા છપાવી લખમણદાદાના જીવનપર્વને ભવ્ય રીતે ઉજવી સ્નેહીજનો માટે ભોજન સમારંભ સહિતના આયોજનની તડામાર તૈયારીમાં વ્યસ્ત બન્યા છે.

- text