RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા હરિયાણામાં યોજાશે

- text


12 માર્ચથી 14 માર્ચ દરમિયાન યોજાશે મહત્વપૂર્ણ સભા

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આગામી તારીખ 12 માર્ચથી 14 માર્ચ દરમિયાન હરિયાણાના સામલખાના પટ્ટીકલ્યાણાના સેવા સાધના કેન્દ્ર ખાતે યોજાશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ સંઘની સૌથી મહત્વપૂર્ણ સભા છે. આ બેઠકમાં પાછલા વર્ષમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવશે અને આગામી વર્ષમાં સંઘ દ્વારા કરવામાં આવનારા કાર્યો માટે યોજના તૈયાર કરવામાં આવશે. આ વર્ષે, આ પ્રતિનિધિ સભા 12, 13 અને 14 માર્ચે હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખાના પટ્ટકલ્યાણાના સેવા સાધના અને ગ્રામ વિકાસ કેન્દ્રમાં યોજાશે. જેમાં દેશભરમાંથી સંઘના 1400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. જેમાં 34 વિવિધક્ષેત્રોના કાર્યકર્તાઓ પણ ભાગ લેશે. આ પહેલા 11 માર્ચે અખિલ ભારતીય કાર્યકારીણીની બેઠક મળશે. જેમાં પ્રતિનિધિ સભામાં આવનારા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.

સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે 14 માર્ચે પ્રતિનિધિ સભાના છેલ્લા દિવસે પત્રકારો સાથેની વાતચીતમાં પસાર કરાયેલા ઠરાવ વિશે માહિતી આપશે. સુનિલ આંબેકર શુક્રવારે સેવા સાધના અને ગ્રામ વિકાસ કેન્દ્ર ખાતે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

આગળ વિશેષ માહિતી આપતા સુનીલ આંબેકરે કહ્યું કે, 12 માર્ચે પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે, તમામ સહ-સરકાર્યવાહ, અખિલ ભારતીય કારોબારી, વિવિધ ક્ષેત્રોના પદાધિકારીઓ, તમામ ક્ષેત્રો અને પ્રાંતોના સંઘચાલકો અને કાર્યકારીઓ ઉપસ્થિત રહેશે. તેમણે કહ્યું કે, વર્ષ 2025માં સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. પ્રતિનિધિ સભામાં શતાબ્દી વર્ષે કાર્ય વિસ્તરણ યોજના 2022-23ની સમીક્ષા અને અનુભવના આધારે, 2023-24 માટે કાર્ય યોજના તૈયાર કરવામાં આવશે.

- text

આ વર્ષની સમીક્ષાની સાથે 2025 સુધીમાં સંઘમાં નવા લોકોને જોડવા, વર્ષ 2023-24 માટે કાર્ય યોજના તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંઘની કરોડરજ્જુ શાખા છે અને શાખા સામાજિક પરિવર્તનનું કેન્દ્ર છે. શાખાના સ્વયંસેવકો સામાજિક પરિસ્થિતિઓના અભ્યાસના આધારે વિષયો પસંદ કરે છે અને સામાજિક પરિવર્તન માટે કાર્ય કરે છે. સમાજને આત્મનિર્ભર બનાવવા, સેવાકીય કાર્યોનું વિસ્તરણ, સમાજમાં સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરવું, પર્યાવરણની જાળવણી કરવી, અમૃતકાલ હેઠળ દેશમાં કયા કયા કામો થવા જોઈએ, આ તમામ વિષયો સમાજમાં સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. આ તમામ કાર્યો સ્વયંસેવકો દ્રારા શાખાના માધ્યમથી ચલાવે છે.

તેમણે માહિતી આપી હતી કે, મહર્ષિ દયાનંદના જન્મને 2024માં 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ભગવાન મહાવીર સ્વામીના 2550મા નિર્વાણ વર્ષને લઈને વિશેષ નિવેદન પણ બહાર પાડવામાં આવશે.

- text