વાંકાનેરની તિથવા હાઈસ્કૂલનો અનોખો પ્રયોગ

- text


બ્લેક બોર્ડ પર દિન વિશેષના લખાણથી વિદ્યાર્થીઓમાં થઈ રહ્યો છે જ્ઞાનનો સંચાર

વાંકાનેર : પુસ્તકોના બે પુઠ્ઠાની વચ્ચેનું શિક્ષણ દરેક શાળા આપતી હોય છે. પરંતુ બહારની દુનિયાનું જ્ઞાન અને માહિતી આપવી એ પણ શાળા અને શિક્ષકોની ફરજ હોય છે. ત્યારે આ ફરજને બરાબર નિભાવી રહી છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તિથવા ગામની હાઈસ્કૂલ. તિથવા ગામની હાઈસ્કૂલ ખાતે વર્ગખંડમાં બોર્ડ પર દરરોજ દિન વિશેષના શિર્ષક હેઠળ લખાણ લખીને વિદ્યાર્થીઓમાં માહિતી અને જ્ઞાનનો સંચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ પ્રેરિત થાય અને જ્ઞાનપ્રાપ્તિની જીજીવિષા સંતોષવા શાળા દ્વારા આ અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જોત જોતાંમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રોચક અને રોમાંચક દૈનિક સફરની શરૂઆત થઈ છે. તિથવા હાઈસ્કૂલના શિક્ષક ભરતભાઈ ગોપાણી જણાવે છે કે, અમારી શાળામાં વિદ્યાર્થીઓ માટે સુવિચાર લખવાથી શરૂઆત કરી હતી પણ આજે દિન વિશેષ લખવું એ પ્રણાલિકા બની ગઈ છે. એમાં પણ નાના નાના સ્કેચ/ચિત્રો બનાવીએ તો એ જોવાની એમને ખૂબ મઝા આવે છે. ક્યારેક સમયના અભાવે ચિત્ર બાકી રહી ગયું હોય તો આગ્રહ કરીને ચિત્રો દોરવા કહે છે.. મહાન વ્યક્તિના જન્મદિવસ, પુણ્યતિથિ, વિજ્ઞાનની અવનવી શોધનો દિવસ હોય કે ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ હોય અવનવું રોજે રોજ અને વળી પ્રાર્થના કાર્યક્રમમાં તેને અનુરૂપ વિશેષ વાંચન પણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ અવનવું જાણે એ સહેતુક ચાલુ કરેલી પ્રવૃત્તિ જ્ઞાન પ્રાપ્તિની સુટેવ બની રહી છે.

- text

- text