ખેડૂતો ચિંતિત : મોરબીમાં મચ્છુ કેનાલમાં ગટરના પાણી વહ્યા

- text


મોરબીમાં મચ્છુ નદીની પથારી ફેરવ્યા બાદ કેનાલમાં પણ ગટરના પાણીના જોડાણ આપી દેવા છતાં સિંચાઈ વિભાગ નિંદ્રાધીન

મોરબી : મોરબીમાં લોકમાતા મચ્છુ નદીમાં ગટરના અને ઉદ્યોગના પ્રદુષિત પાણી છોડી લોકમાતાને અપવિત્ર કરવા છતાં પણ સ્થાનિક તંત્ર નિંદ્રાધીન રહેતા હવે લોકોએ ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતા મચ્છુ કેનાલમાં જ ગટરના પાણી છોડી દેવાનું શરૂ કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.બીજી તરફ આ ગંભીર બાબતે સિંચાઈ વિભાગ દોડતો થયો છે અને કેનાલમાં ગટરના પાણી છોડનાર વિરુદ્ધ ફોજદારી રહે પગલાં ભરવા તજવીજ શરૂ કરી છે.

સિરામીક નગરી મોરબીમાં ગેરકાયદેસર બહુમાળી ઇમારતો બનાવવાના દુષણની સાથે લેભાગુ તત્વો દ્વારા આવા બહુમાળી બિલ્ડીંગોના ગટરના પાણી ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપી કાયદેસર રીતે નિકાલ કરવાને બદલે સેંકડો ખેડૂતો જે કેનાલમાંથી સિંચાઈનો લાભ લઈ રહ્યા છે તેવી મચ્છુ સિંચાઈ યોજનાની કેનાલમાં જ સીધા ભૂંગરા ગોઠવી ગંદાપાણીનો બેરોકટોક પણે નિકાલ કરતા મોરબીની કિંમતી ખેતી ઉપર ખતરો ઉભો થયો છે.

- text

બીજી તરફ મોરબી મચ્છુ સિંચાઈ યોજનાના અધિકારી ભોરણીયાને આ ગંભીર બાબતે સવાલો કરવામાં આવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા અને મોરબી અપડેટને જણાવ્યું હતું કે, અગાઉ ઉમિયા સર્કલ નજીક ગટરના પાણીના નિકાલ માટે કેનાલમાં કનેક્શન આપી દેવામાં આવતા કડક પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે આજે બહાર આવેલા રવાપર ચોકડી નજીકના આ ચોંકાવનારા કિસ્સામાં તાકીદે ચેકીંગ કરી મચ્છુ સિંચાઈ યોજનાની કેનલમાં ગટરના કનેક્શન આપનાર તમામ વિરુદ્ધ સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડી પ્રદુષિત ગટરના પાણી કેનાલમાં છોડવા મામલે ફોજદારી સહિતના પગલાં લેવામાં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text