વ્યાજ મુક્તિ : મોરબી જિલ્લા પોલીસ દ્વારા 123 લોકોને બૅંકની લોનના ચેક વિતરણ કરાયા

- text


123 જેટલા લોકોને આશરે અઢી કરોડની લોન અપાઈ, વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર સામે હજુ પણ પઠાણી ટ્રીટમેન્ટ ચાલુ રહેશે : રેન્જ આઈજી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે શનિવારે સવારે 11 વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બૅંક લોન મંજૂરીપત્ર વિતરણના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા 123 લોકોને બૅંકની લોનના ચેક વિતરણ કરાયા હતા.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અગાઉ વ્યાજખોરો સામે કાર્યવાહી કર્યા બાદ લોકોને વ્યાજખોરો પાસે જવું ન પડે અને બૅંક મારફતે જ તેમની નાણાની જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે 28 જેટલા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બૅંક દ્વારા લોનની યોજનાઓની માહિતી આપીને લોન આપતા આજે 123 જેટલા લોકોને લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અધિક કલેકટર એન કે, મુછાર, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,જિલ્લા ભાજપ મહામંત્રી જયુંભા જાડેજા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, લોન મેળા સારો એવો પ્રતિસાદ મળ્યો છે. તેંમજ વ્યાજખોરો વિરુદ્ધની કાર્યવાહીમાં 23 ફરિયાદ નોંધી 45 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને હજુ વ્યાજખોરો સામેની ઝુંબેશ ચાલુ રહેશે. કોઇપણ વ્યક્તિ વ્યાજખોરોથી ત્રસ્ત હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ કહ્યું હતું કે, વ્યાજખોરો સને પોલીસે સારી કામગીરી કરી છે. પરંતુ ઘણા બધા યુવાનો ઓનલાઈન તીનપતિ સહિતની જુગારની પ્રવૃત્તિમાં ફસાયેલા હોય એની સામે પોલીસ કાર્યવાહી કરે તેવી ટકોર કરી હતી. તેની સામે એસપીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીનો મોરબીથી પ્રારંભ થયો હતો અને આગામી સમયમાં પણ ટ્રાફિક સહિતના પ્રશ્નો બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.વ્યાજખોરો સામે પોલીસે કરેલી કાર્યવાહી અને લોન મેળાની કામગીરી ખરેખર બિરદાવા લાયક છે અને આગામી સમયમાં પણ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરવાની પોલીસને ટકોર કરી હતી.

રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, 5 જાન્યુઆરીથી શરૂ થયેલું વ્યાજખોરો વિરુદ્ધના અભિયાનના ભાગરૂપે પાંચ જિલ્લામાં 650 જેટલા લોક દરબાર યોજી 300 જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ ઝુંબેશ હજુ પુરી થઈ નથી અહીંથી શરૂ થઈ છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે પઠાણી રીતે ટ્રીટમેન્ટ કરાઈ છે અને અમુક કેસોમાં આઇટી એડીની કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ વ્યાજખોરો સામે આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. જોકે લોનમાં ટકાવારી લઈને લોન મંજૂર થતી હોય પણ પોલીસે લોન મેળામાં એકપણ ટકા લીધા વગર લોકોને લોન અપાવી છે અને લોનના હપ્તા સમયસર ભરે તેવી ટકોર કરી હતી અને 123 જેટલા લોકોને આશરે અઢી કરોડની લોન આપવામાં આવી હતી.રૂ. 50 હજારથી માંડીને રૂ.20 લાખની લોન મંજુર કરવામાં આવી હતી.

- text

- text