મોરબીમાં મચ્છરોની મોસમ પૂરબહારમાં, સાંજ પડ્યે ચટકા-બટકાનો ત્રાસ

- text


શિયાળાની મોસમ વિદાય લેતા જ ગંદા પાણીમાં ઉદભવતા ક્યુલેક્સ મચ્છરોનો રાફડો ફાટ્યો

મોરબી : શિયાળાની ઋતુની વિદાય સાથે જ મોરબીમાં ચટકા-બટકા ભરી હાથીપગો રોગની ભેટ આપતા ક્યુલેક્સ મચ્છરોનો ત્રાસ અનહદ પણે વધ્યો છે, ખાસ કરીને સાંજ પડતાની સાથે જ ગંદા પાણીમાં જન્મ લેતા આ ક્યુલેક્સ મચ્છરો લોકોને તોબા પોકારાવી રહ્યા છે.

શિયાળમાં ઠંડીની મોસમમાં મચ્છરના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ મળ્યા બાદ છેલ્લા અઠવાડિયાથી ઉનાળાના પ્રારંભ સાથે ગરમી પડવા લાગતા ગટરના ગંદા પાણીમાં ઉદભવતા ક્યુલેક્સ પ્રકારના મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે, ખાસ કરીને સાંજના સમયે લોકોને ઘર બહાર બેસવું પીડા દાયક બન્યાની મોરબી શહેરભરમાં ફરિયાદ ઉઠવા પામી છે.

મોરબીમાં મચ્છરોના ઉપદ્રવ અને ત્રાસ અંગે જિલ્લા મેલરિયા અધિકારી ડો.બાવરવાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, ઠંડી અને ગરમીની મિશ્રઋતુમાં ક્યુલેક્સ પ્રકારના મચ્છરોનું પ્રજનન વધુ પ્રમાણમાં થતું હોય છે, હાલમાં શિયાળાની વિદાય સાથે મધ્યમ ગરમી પડી રહી હોય ક્યુલેક્સ મચ્છરોનું પ્રમાણ વધ્યું છે. ડો.બાવરવાએ જણાવ્યું હતું કે, આ ક્યુલેક્સ પ્રકારના મચ્છર કરડવાથી હાથીપગાનો રોગ થાય છે પરંતુ મોરબી જિલ્લામાં હાથીપગાના જંતુઓ જોવા મળતા ન હોય તંત્ર અને લોકો માટે રાહત છે.

- text

ઉલ્લેખનીય છે કે, ક્યુલેક્સ પ્રકારના મચ્છરનું આયુષ્ય સરેરાશ 30થી 35 દિવસ જેટલું હોય છે અને જ્યાં સુધી તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધુ નહીં ચડે ત્યાં સુધી આ ક્યુલેક્સ પ્રકારના મચ્છરોનો ઉપદ્રવ જોવા મળશે. મહત્વની બાબત એ છે કે જેમ -જેમ ગરમીનું પ્રમાણ વધે તેમ આ ક્યુલેક્સ પ્રકારના મચ્છરનું આયુષ્ય ઘટી જાય છે અને વધુ ગરમીમાં આ મચ્છરોનો કુદરતી રીતે નાશ થતો હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.

- text