મોરબી જિલ્લામાં વિનામૂલ્યે મુસાફરી પાસનો લાભ લેતા 5 હજારથી વધુ દિવ્યાંગો

- text


૨૦૨૨-૨૩ દિવ્યાંગ રાહત અને રોજગારલક્ષી ૧૮૨ સાધન સહાય મંજુર

કાલે સોમવારે વિશ્વ સામાજિક ન્યાય દિવસ-૨૦૨૩, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સામાજિક સમાનતા અને ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ

મોરબી : ભારત એ એકતામાં વિવિધતા ધરાવતો દેશ છે. આપણે ત્યાં સામાજિક એકતા જળવાઈ રહે તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને આયોજન કરવામાં આવે છે. વિશ્વ સ્તરે પણ સામાજિક ન્યાય, નિરક્ષતા, ધાર્મિક અને શારીરિક ભેદભાવ, ગરીબી અને વંશવાદ વગેરે જેવા અનેક સામાજિક પ્રશ્નો નાબુદ કરવાના હેતુથી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક, શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સામાન્ય પ્રવાહમાં લઈ આવવા માટે તેમના ઉત્થાન, ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ આયોજનો અને યોજનાઓ ચલાવવામાં આવે છે. અનેક જનકલ્યાણની યોજનાઓ દ્વારા આવા લાખો લોકોની પડખે સરકાર હર હંમેશ ઉભી છે.

ગુજરાત સરકારના ન્યાય અધિકારીતા વિભાગ અન્વયે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મોરબીમાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોના સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી લોક હિતના પ્રયાસો કરવામાં આવે છે.

જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩ દિવ્યાંગ રાહત અને રોજગારલક્ષી ૧૮૨ સાધન સહાય મંજુર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૫ હજારથી વધુ દિવ્યાંગો મફત મુસાફરી પાસનો લાભ મેળવી રહ્યાં છે. ૨૫૫ લાભાર્થીઓ સંત સુરદાસ યોજનાનો, તો ૨૯૩ લાભાર્થીઓ ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજનાથી લાભાન્વિત થઈ રહ્યા છે. બૌદ્ધિક અસમર્થતા આર્થિક સહાય હેઠળ ૫૦ લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે. ૩૭૨ નિરામયા હેલ્થ કાર્ડ ઈસ્યુ કરી સરકારે આવા જરૂરીયાતમંદ લોકોના આરોગ્યની ચિંતા કરી છે. દિવ્યાંગ શિષ્યવૃતિ હેઠળ ૬૦ લોકોને ૮૦ હજારથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે. ઉપરાંત વર્ષ દરમિયાન દિવ્યાંગ લગ્ન સહાયમાં ૨૩ લાભાર્થીઓને ૧૧ લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે.

- text

જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ ૧૫ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજના(અનાથ), ૩૭૮ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજના (એકવાલી) તથા ૩૦૬ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના ૬ બાળકો માટે, રાજ્ય સરકારની સ્પોન્સરશીપ યોજના ૨૮ બાળકો માટે તથા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના ૬ બાળકો માટે અને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના ૩૧ બાળકો માટે છત્રછાયા બની છે. ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ ૩ બાળ સંભાળ સંસ્થા પણ જિલ્લામાં કાર્યરત છે. જ્યાં કાળજી અને રક્ષણ વાળા બાળકોને આશ્રય આપી તેમની સારસંભાળ રાખવામાં આવે છે.

- text