ચમત્કારને નમસ્કાર : લાતીપ્લોટમાં ઉધોગકારોની ઉગ્ર રજુઆતથી તંત્ર દોડતું થયું

- text


તંત્રએ આજે લાતીપ્લોટમાં ઉભરતા ગટરના પાણીનો નિકાલ અને બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની કામગીરી હાથ ધરી, વર્ષોની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી

મોરબી : કહેવાય છે કે ચમત્કાર વગર નમસ્કાર ન થાય. આવી રીતે જ ગઈકાલે મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે ઉધોગકારો અને વેપારીઓએ ધારાસભ્યને સાથે રાખી કલેકટરને ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર 24 કલાકમાં દોડતું થયું હતું.તંત્રએ આજે લાતીપ્લોટમાં ઉભરતા ગટરના પાણીનો નિકાલ અને બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, વર્ષોની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

મોરબીના લાતીપ્લોટના લઘુ ઉધોગકારો અને નાના વેપારીઓના ટોળાએ ગઈકાલે ધારાસભ્ય અને આયોજન મંડળની બેઠકમાં રૂબરૂ તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના લાતી પ્લોટ એક નાના ઉદ્યોગકારોનું ઔધોગિક ક્ષેત્ર છે, જે હાલમાં નર્કાગાર બની ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી લાતી પ્લોટ વિસ્તારમાં ભુર્ગભ ગટર ઉભરાવાના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળે છે. જેથી રોડ-રસ્તા પર કાયમી ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે રાહદારી- વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે. જ્યારે વેપાર ધંધામાં પણ માઠી અસર જોવા મળે છે. બીજી બાજુ ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. જ્યારે ઉભરાતી ગટરોના ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે ભયજનક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. બીજી બાજુ ઉભરાતી ગટરના પાણી, ખરાબ રોડ-રસ્તા, ગંદકીનું સામ્રાજ્ય જેવી લાતી પ્લોટની હાલતથી કોઈ વ્યાપારી-ગ્રાહકો આવતા નથી જેથી ધંધામાં ખુબ જ ખરાબ અસર પડી રહી છે.

- text

ધારાસભ્યને સાથે રાખીને લાતીપ્લોટના ઉધોગકારો અને વેપારીઓએ ગઈકાલે કલેકટરને કરેલી રજુઆત અસરદાયી રહી હતી. જેના પગલે તંત્ર હરક્તમાં આવ્યું હતું. આજે તંત્રએ લાતીપ્લોટમાં ઉભરાતી ગટરની સફાઈ કરી ગટરના પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. તેમજ બંધ સ્ટ્રીટલાઈટોને રીપેર કરી ચાલુ કરવાની કામગીરી કરી હતી. જો કે લાતીપ્લોટમાં વર્ષોથી ઘણી સમસ્યા હોય આ એક દિવસ કામગીરી કરવાને બદલે આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text