ઝૂલતા પુલનો જવાબ આપવા કાલે બુધવારે મોરબી પાલિકાની સામાન્ય સભા

- text


શહેરી વિકાસ વિભાગ દ્વારા 16 ફેબ્રુઆરી પહેલા જવાબ આપવા તાકીદ કરતા કાલે તાબડતોડ સામાન્ય સભાનું આયોજન

મોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે બહાના કાઢી જવાબ આપવાથી બચી રહેલા મોરબી નગરપાલિકા પ્રમુખને સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આખરીનામું આપી દેવામાં આવ્યું છે, શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવે આગામી તા.16મી પહેલા નગરપાલિકા બોડીને કેમ સુપરસીડ ન કરવી તે અંગેની નોટિસનો જવાબ આપી દેવા તાકીદ કરતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા હોવાનું અને આવતીકાલે તા. 15 ના રોજ તાબડતોબ સામાન્યસભા બોલાવવામાં આવી છે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા અગાઉ મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે મોરબી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરી વિકાસ વિભાગની નોટિસનો જવાબ આપવા બોલાવેલ સામાન્ય સભામાં અમારી પાસે કોઈ સાહિત્ય ન હોવાનો બચાવ કરી ગોળગોળ જવાબ આપતા શહેરી વિકાસ વિભાગે આ મામલે 50 પાનના પુરાવા સહિતનું સાહિત્ય મોકલ્યું હતું જેમાં એફએસએલ રિપોર્ટ, એસાઇટીનો રિપોર્ટ, નગરપાલિકા અધિનિયમ 263ની જોગવાઈઓ, પાલિકાએ કરેલો કરાર સહિતની આપી હતી.

- text

જો કે શહેરી વિકાસ વિભાગના આટલા પુરાવા મોકલવા છતાં પણ પાલિકાએ હજુ સુધી જવાબ આપવા તસ્દી ન લેતા અંતે ગઈકાલે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવે આગામી તા.16 ફેબ્રુઆરી 2023 પહેલા જવાબ રજૂ કરવા અથવા તો  પાલિકાને કોઈ રજુઆત કરવાની નથી તેમ માની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરતા આવતીકાલે જ પાલિકાના સતાધિશોએ સવારે 10.30 સામાન્ય સભા બોલાવવામાં આવી છે, હવે એ જોવું રહ્યું કે પાલિકાના સત્તાધીશો કેવો જવાબ આપે છે.

- text