મોરબીની ખાનગી શાળાઓએ જયસુખ પટેલને સમર્થન જાહેર કર્યું 

- text


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઓરવા કંપનીના જયસુખ પટેલને પત્ર પાઠવી સાથે જ હોવાનો સધિયારો આપ્યો

મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં પકડાયેલા ઓરવા કંપનીના માલિક જયસુખ પટેલને ઠેરઠેર સમર્થન મળી રહ્યું છે. ત્યારે મોરબીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળએ પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે અને ઓરવા કંપનીના જયસુખ પટેલને પત્ર પાઠવી સાથે જ હોવાનો સધિયારો આપ્યો છે.

મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે અજંતા મેન્યુફેક્ચર્સ પ્રા. લિ.ના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ ઓરપેટ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, ગત 30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીમાં ઝુલતા પુલની જે દુર્ઘટના બની તે ખૂબ જ દુઃખદાયક અને કમનસીબ ઘટના હતી. આ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી ભારોભાર લાગણી રહેલી છે. સર્વે સ્વર્ગસ્થ મૃતાત્માઓ ને મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ ઘટનામાં ભોગ બનેલા તમામ પરિવારો પ્રત્યે અમો સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ દુઃખદ ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોના ધોરણ 12 સુધીના શૈક્ષણિક અભ્યાસની જવાબદારી મોરબી જિલ્લાની જે શાળા માં અભ્યાસ કરતા હશે એ પ્રાઇવેટ શાળા ઉપાડશે.

જયસુખ પટેલના પિતાજી સ્વ. ઓધવજીભાઈ પટેલ અને જયસુખ પટેલ હંમેશા તમામ જ્ઞાતિ જાતિ અને તમામ વર્ગના લોકોને સાથ સહકાર આપતા રહ્યા છો. તેમની સેવા અને પરોપકારની ભાવના માટે દરેક સમાજના લોકોને તેમના પ્રતિ આદર ભાવના સાથે આપના ઋણી છે. તેઓએ કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતિની દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય મોરબીમાં કન્યા છાત્રાલયમાં કરેલું છે. જેનાથી સર્વે સમાજ વિદિત છે. મોરબીની આજુબાજુના ગામડામાં અને શહેરમાં જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર ઓરેવામાં રોજગાર આપવાનું કામ કર્યું છે વિશેષમાં ખેડૂતોના ઉત્થાન માટે ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો-ગામ ખેત તલાવડા ચેકડેમ અને વોટરશેડના કાર્યો દ્વારા સમગ્ર ખેડૂત સમાજને સધ્ધર કરવા માટે જે કાર્ય કરેલું છે તે હજુ પણ લોકો સ્મરી રહ્યા છે. સમૂહ લગ્ન કન્યા કેળવણી રોજગાર સ્કોલરશીપ જેવા અનેક કાર્યો આપના થકી થતા રહ્યા છે આપ હંમેશા દાન ની સરવાણી વહાવીને સતત સામાજિક સેવામાં અગ્રેસર રહ્યા છો.

- text

વધુમાં ઉમેર્યું હતું કે, પુલ દુર્ઘટનાનું દુઃખ સૌને છે પરંતુ એક સન્માન્ય સમાજસેવક, સામાજિક અગ્રણી અને ફરજ નિષ્ઠ અગ્રગણ્ય ઉદ્યોગપતિના સમાજ સેવાની જવાબદારી નિભાવવાના શુભ આશય અને શુભ ભાવના ધ્યાને તેઓને સપોર્ટ કરવાની સૌની ફરજ છે. અન્યથા ભવિષ્યમાં કોઈ સામાજિક અગ્રણી-અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક જવાબદારી – સામાજિક કાર્યો માટે આગળ નહીં આવે જે ભવિષ્યમાં સામાજિક વ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે. અમે જયસુખભાઇને સપોર્ટ કરીએ તેમ અંતમાં જણાવ્યું હતું.

- text