મોરબી ઝૂલતાપુલ કેસમાં સાત આરોપીઓની જામીન અરજીની હવે 4થીએ ફેંસલો

- text


કેટલા લોકોને એક સાથે આવવા દેવા તેવી સિક્યુરિટી ગાર્ડને કોઈ સૂચના ન હતી….અનેક દલીલો કરવામાં આવી

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 7 આરોપીઓના જામીન અરજીની આજે મોરબી કોર્ટમાં સુનાવણી દરમિયાન હવે આ જામીન અરજીનો તા.4 રોજ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 7 આરોપીઓએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી જે અંગે આજે કોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીના બંને મેનેજરનું પુલ પર સુપરવિઝન કરવાનું કામ હતું અને બે સિક્યુરિટી ગાર્ડ કંપનીમાં લોડિંગ કામ ના કર્મચારી હતા જેમને સિક્યુરિટી તરીકે મુકવામાં આવ્યા હતા તેમજ કેટલા લોકોને એક સાથે આવવા દેવા તેવી સિક્યુરિટી ગાર્ડને કોઈ સૂચના ન હતી તેવી દલીલો કરવામાં આવી હતી.

- text

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના બે મેનેજર, ટિકિટબારી ક્લાર્ક, સિક્યુરિટી સહિતના નવ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા બાદ આ ચકચારી કેસમાં હાઇકોર્ટ સુધી જામીન માટે કાનૂની લડત બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ રજૂ થવાને પગલે આજે નવ પૈકી સાત આરોપીઓ દ્વારા મોરબી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આ સાત આરોપીઓમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણ દ્વારા પોતાના વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવતા આજે મોરબી કોર્ટમાં આ જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષને સભાળવવામાં આવ્યા હતા અને બન્ને પક્ષના વકીલોએ દલીલો કરી પોતાના પક્ષ રજૂ કર્યા બાદ કોર્ટે આ જામીન અરજીની આગામી 4થી એ નિર્ણય લેવાનું જાહેર કર્યું હતું.

- text