હળવદમાં ભર શિયાળે પાણીની કારમી અછત, મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


શિયાળામાં જ ભયંકર પાણીની સમસ્યા હોય હજુ ઉનાળો કેમ નીકળશે તેવી રજુઆત કરીને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો

હળવદ : હળવદની સરા રોડ પર આવેલી સોસાયટીમાં ભર શિયાળે પાણીની કારમી અછત સર્જાતાં આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ હળવદ નગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મોરચો માંડી ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ શિયાળામાં આવી ભયંકર પાણીની સમસ્યા હોય હજુ ઉનાળો કેમ નીકળશે તેવી રજુઆત કરીને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો.

હળવદના સરા રોડ ઉપર આવેલ વોર્ડ નંબર 5ની રઘુનંદન સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. આ પાણી પ્રશ્ને અનેક રજુઆત કરવા છતાં આ સોસાયટીને નગરપાલિકા દ્વારા પાણી આપવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાયને રજુઆત કરવા આજે હળવદ નગરપાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે એક વર્ષથી પાણી આવતું ન હોય ભારે હાડમારી વેઠવી પડે છે. હાલ શિયાળામાં હાલ પાણીના એક એક બુંદ માટે તરસિયે છીએ તો ઉનાળામાં પાણી વગર કેવી કફોડી હાલત થશે તેનો ચિતાર આપ્યો હતો.

- text

મહિલાઓએ રજુઆતમાં વધુમાં ઉમેર્યું હતું કે, તેમની સોસાયટીમાં હાલ સમ ખાવા પૂરતું પણ પાણી આવતું નથી. માટે પાણી વેચાતું લેવું પડે છે. ખાસ તો પાણી ટેન્કર મંગવવા પડે છે. પણ પાણી ટેન્કરમાં પણ મન પડે તેવા મોઘા ભાવ વસુલાતા હોવાથી મોઘા ભાવનું પાણી કોઈ કાળે પરવડે એમ નથી.જ્યારે નગરપાલિકામાં પાણીના ટેન્કર લખાવીએ તો 8 દિવસે છેક પાણીના ટેન્કર મળે છે. આવી રીતે પાણી દોહેલુ બન્યું હોય વહેલીતકે આ પાણી પ્રશ્ન હલ કરવાની માંગ કરી હતી.

- text