મોરબીમાં વીજચોરી ડામવા દરોડાનો દૌર યથાવત, 10.60 લાખની વીજચોરી ઝડપાઇ

- text


મોરબી શહેર અને ટંકારામા ગેરરીતિના 44 કિસ્સામાં દંડનીય કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં વીજચોરીના દૂષણને ડામવા આજે પીજીવીસીએલ દ્વારા મોરબી શહેર તેમજ ટંકારા વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરી 44 કિસ્સામાં વીજચોરી ઝડપી લઈ 10.60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આજરોજ મોરબી જિલ્લામાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને મોરબી જિલ્લાની મોરબી-૧ તથા મોરબી-૨ વિભાગીય કચેરી હેઠળની ટંકારા પીપળીયા તેમજ મોરબી શહેર-ર પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૬ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૪૧ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા, જે પૈકી ૪૪ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૧૦.૦૦ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

નોંધનીય છે કે એપ્રિલ-૨૨થી ડિસેમ્બર-રરના સમયગાળા દરમિયાન મોરબી વર્તુળ કચેરી હેઠળ કુલ ૪૮૪૩૮ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૩૮૬૧ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૯૧૮.૦૪ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે, જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૪૯૦૩૫૮ વીજજોડાણો ચકાસીને કુલ ૫૭૮૧૫ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ. ૧૪૮.૨૯ કરોડના બિલ આપવામાં આવ્યાં છે.

- text

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text