મીટરની ઝંઝાળ ! મોરબી આરટીઓ અને તોલમાપ કચેરીના વાંકે રીક્ષા ચાલકો પરેશાન 

- text


ઓટો રીક્ષા ચાલકો માટે દર બે વર્ષે રિ-પાસીંગમાં મીટર વિલન બન્યું : રી-ટેસ્ટિંગની કોઈ સુવિધા જ ન હોય 500થી વધુ રિક્ષાના પાસિંગ અટક્યા 

મોરબી : સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ મીટર ભાડા મુજબ રીક્ષા ચાલતી નહીં હોવા છતાં ઓટો રીક્ષાના પાસિંગ-રિ-પાસીંગ સમયે રીક્ષામાં મીટર ફરજીયાતના નિયમનું જડ પણે પાલન કરવવાની સાથે રીક્ષાના જુના મીટર માટે ટેસ્ટિંગની તોલમાપ કચેરીમાં કોઈ વ્યવસ્થા જ ન હોય આરટીઓ અને તોલમાપ કચેરીના વાંકે મોરબીના 500થી વધુ રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાત સરકારના માર્ગ વાહનવ્યવહાર વિભાગની કચેરી દ્વારા ઓટો રીક્ષા સહિતના વાહનોના પાસિંગ અને રી – પાસિંગ સમયે પેસેન્જર ભાડા માટેના મીટર હોય તો જ રીક્ષાનું પાસિંગ કરવાનો નિયમ છે. જો કે, ઓટો રીક્ષાના રી-પાસિંગ સમયે રીક્ષાના મીટર ચાલુ હોવા છતાં પણ તોલમાપ વિભાગના ટેસ્ટિંગ રિપોર્ટ અથવા નવું મીટર હોય તો જ ઓટોરીક્ષાનું રી-પાસિંગ કરવાનો નિયમ મોરબી આરટીઓ કચેરીમાં કડક પણે અમલ કરવામાં આવતા અનેક રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

મોરબીના રીક્ષા ચાલક મનસુરભાઈ કાદરીના જણાવ્યા મુજબ તેમની ઓટો રીક્ષામાં રી-પાસિંગ કરાવવા જતા આરટીઓ કચેરી દ્વારા તોલમાપ વિભાગનો મીટર રી-ટેસ્ટિંગ રિપોર્ટ લાવવા જણાવતા તેઓ તોલમાપ કચેરીમાં રિપોર્ટ કરાવવા માટે જતા તોલમાપ અધિકારીએ તેમની પાસે મીટર ટેસ્ટિંગના કોઈ સાધનો જ ન હોવાનું જણાવી હાથ ખંખેરી નાખ્યા હતા જેથી મનસુરભાઈ કાદરી ફરી આરટીઓ કચેરીનો સંપર્ક કરતા સ્થાનિક અધિકારી દ્વારા નવું મીટર ફિટ કરાવો તો રીક્ષાનું પાસિંગ થાય તેવો જવાબ આપતા રીક્ષા ચાલકોને વિનાકારણે 2થી 3 હજારનો વધારાનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

બીજી તરફ રીક્ષા ચાલકોની મુશ્કેલી અંગે મોરબી એ આરટીઓ પ્રજાપતિનો સંપર્ક સાધતા મનસુરભાઈ કાદરીની ફરિયાદથી તેઓ વાકેફ હોવાનું અને અન્ય આરટીઓ કચેરીમાં ઓટોરીક્ષા મામલે ક્યાં નિયમોનો અમલ કરવામાં આવે છે તે જાણકારી મેળવી રીક્ષા ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. જોકે હાલમાં તોલમાપ કચેરીના વાંકે મોરબીના 500થી વધુ રીક્ષા ચાલકોના રી-પાસિંગ અટક્યા હોવાનું રિક્ષાચાલકો જણાવી રહ્યા છે.

- text