મોરબીમાં અઢી લાખના ઘરેણાં સેરવી બે મહિલાઓ રફુચક્કર, પોલીસે તુરંત ઝડપી લીધી

- text


 

સોનીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને મહિલાઓ કળા કરી ગઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

મોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી સોની બજારની એક સોના ચાંદીના ઘરેણાંની દુકાનમાંથી બે મહિલાઓ સોનું ખરીદવા બહાને વેપારીની નજર ચૂકવીને અઢી લાખની કિંમતના ઘરેણાં ઉઠાવીને રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બન્ને મહિલાઓની ભાળ મેળવી બંને તુરંત ઝડપી લીધી હતી.

- text

મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ. એ. જાડેજાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સ બ્લોક નં 103માં રહેતા અને મોરબીના નહેરુ ગેઇટ અંદર સોની બજારમાં આવેલ અંબાજી જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયા અને તેમના કાકા અલ્કેશભાઈ રવેશિયા ગત તા.15ના રોજ પોતાની દુકાને વેપાર કરતા હતા. ત્યારે બે મહિલાઓ સોનાની બુટી ખરીદવાના બહાને આ દુકાને જઈને વેપારીને સોનાની બુટી દેખાડવાનું કહ્યું હતું. આથી વેપારીએ સોનાની બુટીનું આખું બોક્સ કાઉન્ટર ઉપર બતાવ્યું હતું. પણ બન્ને મહિલાઓ સોનાની બુટીઓ જોઈ ખરીદી કર્યા વગર દુકાનમાંથી નીકળી ગઈ હતી. પાછળથી વેપારીને કાઉન્ટર પર રાખેલું અઢી લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ ન દેખાતા તેઓ હાફળા ફફળા બનીને દુકાનના સીસીટીવી ચેક કરતા આ બન્ને મહિલાઓ ચોરી છુપીથી અઢી લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ ઉઠાવી ગઈ હતી. આથી હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયા ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે બન્ને મહિલાઓની ભાળ મેળવી સઘન તપાસ કરતા બન્ને મહિલા દરબાર ગઢ પાસે જ આંટા મારતી હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં જઈને આરોપી મહિલા રજીયાબેન મયુદિન ખલીફા (રહે ભવાની ઢોરા, રામાપીરના ચોક પાછળ હળવદ) અને મુસ્કાનબેન ઇલમદિન ઉર્ફે બાબુભાઈ ખલીફા (રહે મોરબીની સાંદિપની સ્કૂલ પાછળ, અવધ) ને તમામ ચોરાઉ ઘરેણાં સાથે ઝડપી લઈ અગાઉ અન્ય કોઈ ચોરી કરી કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

- text