મોરબીમાં રૈન બસેરા મેડિકલ કોલેજને સોંપી દેવાતા ગરીબો ટાઢમાં ઠુંઠવાયા

- text


હંગામી રૈન બસેરાને પણ અલીગઢીયા ! શહેરમાં રખડતું ભટકતું જીવન જીવતા 219 નિરાશ્રિતો ખુલ્લા આકાશ નીચે સુવા મજબુર

મોરબી : “હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો, મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.” આ દર્દભરી પંકિત મોરબીમાં રખડતું ભટકતું જીવન ગુજારતા અનેક નિરશ્રીતોની વ્યથાને બયાન કરે છે. કાતિલ ઠંડીમાં મોરબીમાં રખડતા ભટકતા અને આશિયાના વગર ફૂટપાથ ઉપર જીવન ગુજારતા ગરીબોને રહેવા માટે આશરો તેમજ ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે મોરબી નગરપાલિકા દ્વારા રાજવી સમયની મહારાણી નંદકુવરબા ધર્મશાળાને તોડી પાડી ફરીથી રૂ.4 કરોડના ખર્ચે રૈન બસેરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રૈન બસેરાનું ગત 15 ઓગસ્ટના રોજ લોકપર્ણ થયા બાદ તંત્રએ એટલી હદે રેઢિયાળ પણું દાખવ્યું કે એક પણ નિરાશ્રિતને આશ્રય જ ન આપ્યો ઉલટું ગરીબોનો આશરો મેડિકલ કોલેજને ભેટ ધરી દીધો અને હાલમાં આ રૈન બસેરાને અલીગઢી તાળા જ લટકે છે. બીજી તરફ શહેરમાં એવા ઘણા લોકો છે જેમને રહેવા માટે કોઈ આશરો જ નથી અને આવી ટાઢમાં ખુલ્લામાં ફૂટપાથ ઉપર જીવન ગુજરાવા મજબુર બન્યા છે.

ઘર વિહોણા લોકો માટે બનાવેલા રૈન બસેરામાં કેટલા લોકોને આશરો આપવા એનો પણ સર્વે થઈ ગયો હતો. પણ નગરપાલિકા તંત્રએ રૈન બસેરા તૈયાર થઈ ગયું હોવા છતાં એકેય નિરાધાર લોકોને રહેવા માટે આશરો જ આપ્યો ન હતો. જેના માટે બનાવેલું હતું એ લોકો હજુ રખડે અને ભટકે જ છે. બીજી તરફ જેને જરૂરૂત પણ નથી તેવી મેડિકલ કોલેજને રૈન બસેરાના નવા બિલ્ડિંગનો હવાલો આપી દેવામાં આવ્યો છે. જો કે મેડિકલ કોલેજ માટે હાલ પૂરતી જગ્યા છે. આ રૈન બસેરા બિલ્ડિંગની એને હાલ કોઈ જરૂર જ નથી અને મેડિકલ કોલેજ આ રૈન બસેરાનો ઉપયોગ પણ કરતી નથી. એક વર્ષ પછી કદાચ એને જરૂર પડે એમ છે. એટલે એક વર્ષ સુધી આ રૈન બસેરા કોઈ પ્રકારના ઉપયોગ વગર ખંડેર હાલતમાં જ પડ્યું હોવા છતાં મોરબીમાં આશરા વગરના 219 લોકો આવી કાતિલ ઠંડીમાં પણ ખુલ્લા આકાશ નીચે ઓથ શોધી રહ્યા છે.

હાલ કડકડતી ટાઢ પડી રહી હોય દરેક લોકોને આખો દિવસ ઘરમાં પણ ગરમ કપડાં પહેરી રાખવા પડે છે. આવી સ્થિતિમાં જેનું કોઈ નથી, નથી રહેવા માટે આશરો કે નથી બે ટેંક ભોજનની વ્યવસ્થા. આવી કપરી સ્થિતિમાં આવા નિરાશ્રિતને તન ઢાકવા બે ત્રણ માંડ મેલા ઘેલા કપડાં હોય છે. આવા લોકોને આશ્રય વગર ખુલ્લામાં ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે કડકડતી ટાઢમાં સૂવું પડે તે પરિસ્થિતિ હૃદયદ્રાવક છે. આમ છતાં તંત્રએ આવા લોકો વિશે જરાય સંવેદના ન રાખીને જેના માટે બનાવેલો અશિયાનો બીજાને આપી દેતા નિરાશ્રિત લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે.

બીજી તરફ નગરપાલિકા તંત્રએ સરકારને બતાવા માટે સુરજબાગમાં બીજું કામચલાઉ રૈન બસેરા બનાવેલું છે. આ રૈન બસેરામાં પણ એકપણ નિરાધાર વ્યક્તિને આશરો આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં અહીંયા રહી પણ ન શકાય તે હદે ગંદકી ફેલાયેલી છે.ઘુળધાણી અને કચરો તેમજ રૈન બસેરામાં પોપડા પડ્યા હોય બધું જ અસ્ત વ્યસ્ત હાલતમાં હોય અહીંયા કોઈ રહી શકે એમ જ નથી. અહીંયા ગંદકીના થર એટલી હદે જમ્યા છે કે, અહીં રહેવા, ભોજન સહિતની સુવિધાઓ તો બાજુએ રહી પણ એક સેકન્ડ ઉભા રહીએ તો માથું ભમી જાય એવી હાલત છે.

રૈન બસેરામાં કેટલા લોકોને આશરો આપવો એનો સર્વ કરવામાં આવ્યો હતો. જેમાં 219 જેટલા લોકોને આશરો આપવો એવું નક્કી કરવામાં આવ્યું હતું. પણ હજુ સુધી એકેય ને આશરો આપવામાં આવ્યો નથી. અમુક રખડતા ભટકતા લોકો રહેવા ગયા ત્યારે આ રૈન બસેરા બંધ હોવાનું કહીને તગેડી મુક્યા હતા. ઉપરાંત આ રૈન બસેરાની ચાવી પણ હજુ સુધી પાલિકા તંત્રને કોન્ટ્રાકટરે સોંપી નથી

રૈન બસેરા અંદાજીત ચાર કરોડના ખર્ચે તૈયાર થયું હોય એનું પેમેન્ટ પણ તંત્રએ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે. કોન્ટ્રાક્ટરે જે 4 કરોડના કામ કર્યાનો દાવો કર્યો છે તેમાં અમુક કામો હજુ બાકી છે. જેમાં કંપાઉન્ડ વોલ, રસોડાનું ફર્નિચર, સીસીટીવી કેમેરા, સોલાર, આર.ઓ.પ્લાન્ટ સહિતનું કામ હજુ અધૂરું છે. આમ છતાં નગરપાલિકાએ પેમેન્ટ ચૂકવી દીધું છે.

- text

- text