લુખ્ખા તત્વોએ ગ્રામ પંચાયતમાં મૂકેલા સિમેન્ટના બાંકડા તોડી નાખ્યા

- text


માળીયા વનાળીયા તેમજ આસપાસના વિસ્તારોમાં લુખ્ખાઓએ ભારે તોડફોડ કરી હોવાની પોલીસને લેખિતમાં ફરિયાદ

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ અને હમણાં નવી બનેલી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતમાં ગતરાત્રે કેટલાક લુખ્ખા તત્વો દારૂના નશામાં ભાન ભૂલ્યા હતા અને આ લુખ્ખા તત્વોએ માળીયા વનાળીયા ગ્રામ પંચાયત બહાર મૂકેલા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના નામવાળા સિમેન્ટના બાંકડા તોડી નાખી તેમજ માળીયા વનાળીયા અને આસપાસના વિસ્તારોમાં લુખ્ખાઓએ ભારે તોડફોડ કરી આંતક મચાવ્યો હતો.

માળીયા વનાળીયા ગ્રામ પંચાયતે બી ડિવિઝન પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, અગાઉ બ્રિજેશ મેરજા ધારાસભ્ય હતા. ત્યારે તેમની ગ્રાન્ટમાંથી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર લોકોને બેસવા માટે બ્રિજેશ મેરજાના નામવાળા છ સિમેન્ટના બાંકડા મુકવામાં આવ્યા હતા. દરમિયાન ગતરાત્રે કેટલાક લુખ્ખા તત્વોએ ભારે હંગામો મચાવી આ તમામ છ બાંકડા તોડી નાખ્યા હતા. આ વિસ્તારના અગ્રણી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, લુખ્ખા તત્વોએ બાંકડા તોડી નાખવાની સાથે પાણીની નાંદ તેમજ બાજુમાં આવેલ રામદેવનગરમાં બગીચા અને ઉમિયાનગરમાં પણ બગીચામાં તોડફોડ કરી હતી. અમારા વિસ્તારમાં અગાઉ પણ તોડફોડ થઈ હોય અને દારૂડિયાનો ભારે ત્રાસ હોવાથી આ હરક્ત પણ નશાની હાલતમાં કરી હોવાની શંકા હોય પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠાવી છે.

- text

- text