અમે ક્યાંય સહી નથી કરી, અમારો કોઈ વાંક નથી : મોરબી પાલિકાના 46 જેટલા સભ્યોએ કરી રજૂઆત

- text


ઝુલતા પુલ દુર્ઘટના પગલે મોરબી પાલિકા સુપરસીડ કરવા મામલે 46 જેટલા સભ્યોની મુખ્યમંત્રીને ન્યાયના હિતમાં નિર્ણય કરવા રજુઆત કરી

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટના કડક વલણને પગલે ગમે ત્યારે નગરપાલિકા સુપરસીડ થાય તેમ છે ત્યારે મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા 52 પૈકી 46 જેટલા સભ્યો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ન્યાયના હિતમાં માત્ર કસુરવાન સામે પગલા ભરી પાલિકાની આખી બોડીને સુપરસીડ નહિ કરવા માંગ કરી છે.

મોરબી નગરપાલિકાના ચૂંટાટેલા 52 પૈકી 46 જેટલા સભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, ગત તા.30 ઓક્ટોબરના રોજ મોરબી પાલિકા હસ્તકનો ઝૂલતો પુલ તુટી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તેઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય પણ સંડોવણી નથી, સાથે જ નગરપાલિકા અને ઓરેવા કંપની સાથે થયેલા કરારમાં તેઓની ક્યાંય સહી પણ ન હોય પાલિકાને સુપરસીડ કરતા પહેલા ન્યાયના હિતમાં અને પ્રજાના હીતમાં નિર્ણય કરી પાલિકાને સમગ્ર બોડીને સુપરસીડ કરવાને બદલે કસુરવાન સામે પગલા ભરવા જણાવાયું છે.

વધુમાં નગરપાલિકાના સભ્યોએ કરેલી આ રજુઆતમાં જણાવાયું છે કે નગરપાલિકા અને ઓરેવા કંપની વચ્ચે થયેલા કરારમાં તેઓની ક્યાંય સહી પણ નથી અને આ કરાર નગરપાલિકાની સમાન્યસભામાં પણ રજૂ થયો ન હોય તેમની કોઈ પણ જગ્યાએ ભૂમિકા ન હોય આ રજુઆત કરનાર તમામ સભ્યોને પાલિકાના નિયત કાળ સુધી ચાલુ રાખવા જણાવાયું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી નગર પાલિકાએ ઝૂલતા પુલના ઓરેવા કંપની સાથે કરેલા કરારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સહી છે. અને ઝૂલતા પુલ ઓરેવા કંપનીને આપવા બાબતનો ઠરાવ જનરલ બોર્ડમાં કરી સભ્યોની સહમતી લેવામાં આવી નથી. જ્યારે આ મુદ્દે કોર્ટના આકરા વલણ બાદ સરકાર મોરબી નગર પાલિકાને બરખાસ્ત કરવાની તૈયારીમાં છે. ત્યારે ઝૂલતા પુલ બાબતે ઠરાવમાં સહી ન કરનારા પાલિકાના સભ્યોએ સામૂહિક રીતે લેખિતમાં આ મુદ્દે રજૂઆત કરી તમામ સભ્યોને બરખાસ્ત ન કરવાનું જણાવી ન્યાયના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું છે. ત્યારે હવે આ મુદ્દે સરકાર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

- text