બાળકોમાં મોબાઈલ મેનિયા માટે મમ્મીઓ જવાબદાર !

- text


સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના ડૉ. ડિમ્પલ રામાણી અને ડૉ. યોગેશ જોગસણ દ્વારા 1134 લોકો પર ગૂગલ ફોર્મ તથા ટેલીફોનીક મારફતે સર્વે કરીને તારણો રજૂ કર્યા

બાળકો માટે મોબાઈલ જ સર્વસ્વ,. 54% માતાઓ પોતાના ઘરકામ માટે બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા આપી દે છે : છોકરાઓની સૌથી વધુ પસંદગીની વસ્તુ મોબાઈલ ફોન

મોરબી : બાળકના વર્તન સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામ એ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં આના વ્યસની બની ગયા છે અને ખાસ કરીને આજના ઝડપી અને ભાગદોડ ભર્યા સમયમાં મમ્મીઓ પોતાના કામમાં બાળકો ડિસ્ટર્બ ન કરે તે માટે મોબાઈલ પકડાવી દેતા હોય જેની માઠી અસર લાંબા ગાળે વાલીઓ માટે જ માથાના દુઃખાવા રૂપ બનતી હોવાનું એક સર્વેમાં ભાર આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના ડૉ. ડિમ્પલ રામાણી અને ડૉ. યોગેશ જોગસણ દ્વારા 1134 લોકો પર ગૂગલ ફોર્મ તથા ટેલીફોનીક મારફતે સર્વે બાળકોમાં મોબાઈલના વળગણ અંગે સર્વે કરવામાં આવતા ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સર્વેક્ષણ મુજબ લાડના કારણે આપણે બાળકના જીવનમાં જે ઉપકરણ દાખલ કર્યું છે, તે પછીથી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. મોબાઈલ એ એક જરૂરિયાત સાધન છે. કોઈપણ બાબતના બે પાસા હોય છે વિધાયક અને નિષેધક એ જ રીતે મોબાઈલ ફોનના પણ ફાયદા અને ગેરફાયદા છે.આજકાલ મોબાઈલનો ઉપયોગ બાળકોમાં સૌથી વધારે વઘી ગયો છે. બાળકોમાં મોબાઈલની લત ખુબ વધતી જતી જોવા મળી છે જેનાથી તેનું ભવિષ્ય પણ ખોરવાઈ શકે છે.

બાળકોનું જીવન જાણે મોબાઈલ વિનાનું અધૂરું. મોબાઈલ વિના બાળકો રહેતા જ નથી. નાનપણથી જ મોબાઈલની જીદ દિવસે દિવસે બાળકોમાં વધતી જાય છે. ગમેતેમ કરી મોબાઈલ આપે તો જ હોમવર્ક કરવું, જમવું વગેરે આ બધી બાબત માતાપિતાને હવે ખુબ અઘરી લાગે છે. માતાપિતાને પણ અફસોસ થાય છે કે બાળકોને ફોન આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ, પણ શું કરીએ ઓનલાઇન લેક્ચર હતા એટલે ફોન આપવો એ પણ જરૂરી બની ગયું હતું. મોબાઈલને કારણે માતાપિતામા ટેંશન, ચિંતા, મૂંજવણ જોવા મળે છે. કેટલાક બાળકો પાસેથી મળેલ પ્રશ્નોના જવાબો :-

સર્વેના તારણો મુજબ 82% બાળકોને મોબાઈલ જ ગમે છે. મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.93% બાળકોને મોબાઈલની સાથે મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે આઉટડોર ગેમ્સ બાળકોને પસંદ જ નથી અને મોટાભાગના બાળકોને આઉટડોર ગેમ્સ વિશે ખબર જ નથી. 78% બાળકોને મોબાઈલની સાથે જ જમવાની આદત છે. 82% બાળકો મોબાઈલની સાથે એકલતાનો ભોગ બની ગયા છે. 73% બાળકોને શાળાએ પણ મોબાઈલ યાદ આવે જાણે મોબાઈલ વિના રહી નથી શકતા.

- text

વધુમાં 77% બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે. 64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે. 77% બાળકો મોબાઈલને કારણે સુવાની ટેવ મોડી થતી જોવા મળી.જેને કારણે સવારે શાળાના સમયે વહેલા ઉઠવામાં મોડુ થઇ જાય છે. જયારે 89% બાળકો મોબાઈલને કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે. 83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી. 67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.મોટાભાગના બાળકો મોબાઇલને પોતાની દુનિયા માની બહારની દુનિયા ભૂલી ગયા છે જે આજના સમયની માતાપિતાની મોટામાં મોટી સમસ્યા છે.

મોબાઈલને લઈને માતા – પિતાની ફરિયાદો આવવી સામાન્ય છે જેમાં ખાસ કરીને, મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી. મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે. જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ. મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ. કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે. મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વઘી જવાની સમસ્યા વઘી ગઈ છે. શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું. ક્લાસીસમા ન જવું અને વર્તનમા પરિવર્તન આવવું ખુબ જ ચિંતાજનક બાબત છે.

જ્યારે બાળકોમાં મોબાઈલ વપરાશ નો અતિરેક થાય ત્યારે બાળકોમાં હતાશા, ચિંતાનું પ્રમાણ વધવાની સાથે ધ્યાનની ખામી, ઓટીઝમ, બાયપોલર ડિસઓર્ડર અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના, શારીરિક વિકાસ ધીમો પડી જવો, સ્થૂળતામાં વધારો થવો, જુદા-જુદા રોગો થવાની સંભાવના, ઊંઘનો અભાવ અને ડિજિટલ સ્મૃતિ ભ્રંશ થવાની શક્યતા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

- text