વાંકાનેર બેઠક ઉપર હાર બાદ આપના ઉમેદવાર વિક્રમ સોરાણીએ શું કહ્યું..? વાંચો..

- text


 

હું લોકસેવક તરીકે સદાય કાર્યરત રહીશ, જે ગામોમાં પ્રવાસ કર્યો ત્યાં અઢળક મતો મળ્યા,ઓછો સમય મળ્યો તે હારનું કારણ : વિક્રમ સોરાણી

વાંકાનેર : અગાઉ ક્યાંય પણ રાજકારણમાં સક્રિયતા ન હતી અને અચાનક માત્ર 29 વર્ષની ઉંમરે વાંકાનેર વિધાનસભાની ચૂંટણી લડી ભાજપ અને કોંગ્રેસના શ્વાસ અધ્ધર કરનાર આપના ઉમેદવાર વિક્રમ સોરાણીએ પ્રજાના ચુકાદાને શિરોમાન્ય ગણાવી લોકસેવક તરીકે સદાય કાર્યરત રહેવાનું જણાવ્યું હતું.

વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આ વખતે ખરો ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. એક તરફ સતત ત્રણ ટર્મથી ચૂંટાય આવતા કોંગ્રેસના સિનિયર નેતા એવા મહમદ જાવીદ પીરઝાદા તો બીજી તરફ ભાજપના ખેરખા નેતા એવા જીતુભાઇ સોમાણી. આ બન્ને વચ્ચેનાં ખરાખરીના જંગમાં આપના 29 વર્ષના રાજકારણમાં સાવ નવા એવા ઉમેદવાર વિક્રમ સોરાણીએ પોતાના પરિણામથી ચર્ચા જગાવી છે.

વાંકાનેર બેઠકમાં જીતુભાઇ સોમાણીને 80677 મત, કોંગ્રેસના મહમદ જાવીદ પીરઝાદાને 60722 મત અને આપના વિક્રમ સોરાણી 53485 મળ્યા હતા. વિક્રમ સોરાણીની આ પ્રથમ ચૂંટણી હતી. જેમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓએ આ અંગે જણાવ્યું કે મારા ઉપર વિશ્વાસ મુકનાર તમામ મતદારોનો હું દિલથી આભાર માનું છું.

- text

તેઓએ હારનું કારણ સમયનો અભાવ હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે સમયનાં અભાવે હું વાંકાનેર શહેર અને અનેક ગામડાઓમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કરી શક્યો ન હતો. પણ જે ગામોમાં પ્રવાસ કર્યો ત્યાંથી મને ખૂબ મત મળ્યા છે. જો આખી બેઠકના વિસ્તારમાં પ્રવાસ પૂર્ણ કર્યો હોત તો જીત નિશ્ચિત થઈ હોત.

તેઓએ અંતમાં જણાવ્યું કે મે ચૂંટણી પ્રચારમાં લોકોની પડખે ઉભો રહીશ તેવો વાયદો કર્યો છે હવે આ વાયદો હાર્યા પછી પણ પૂરો કરીશ. હાર- જીત અલગ વાત છે. લોકસેવક તરીકે સદાય લોકોની પડખે રહીશ. લોકોના પ્રશ્નો ઉઠાવતો રહીશ.

- text