પાંચ વર્ષ પ્રજાના કામ કર્યા હોય તો ચૂંટણી ટાણે હડિયાપટ્ટી ન કરવી પડે : કોલેજીયન મતદારો

- text


મોરબીની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા અને આ વખતે પ્રથમ વખત મતદાન કરનાર છાત્રોએ મોટા નેતાઓના આગમન સમયે રાતોરાત સુવિધા ઉભી કરતા તંત્રની નીતિઓ સામે આક્રોશ ઠાલવ્યો

મોરબીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉધોગોમાં સુવિધા, કામદારોને સુવિધાઓ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય સહિતની બાબતોમાં હજુ ઘણી સુવિધાઓ ઘટતી હોય તમામ સ્તરે ધરખમ પરિવર્તનની જરૂરિયાત પર યુવાઓએ ભાર મુક્યો

મોરબી : મોરબી માળીયા બેઠકની વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારોમાં ખાસ કરીને કોલેજમાં ભણતા અને પ્રથમ વખત મતદાન કરતા કોલેજીયન મતદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મોરબી આપબળે વિકસ્યું છે. જો આઝાદી પછી ઉત્તરોતર સુવિધાઓ મળી હોત તો મોરબી મેગા સિટીથી કમ ન હોત. તેમાંય પાંચ વર્ષે જે પ્રજાએ ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો હોય અને એણે જો પાંચ વર્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય તો એવા નેતાઓને એટલો બધો પ્રચાર અને લોકમત કેળવવા હડિયાપટ્ટી કરવી જ ન પડે, સારો ઉમેદવાર હોય તો પ્રજા એને સામેથી ચૂંટી કાઢશે.

મોરબીની વિવિધ કોલેજમાં ભણતા અને આ વખતે પ્રથમ વખત મતદાન કરનાર કોલેજીયન મતદારોને આ ચૂંટણીમાં ધારાસભ્ય પાસેથી કેવી અપેક્ષા છે તેના સંદર્ભે નિધિ ઘોડાસરા નામની કોલજીયન યુવતીએ કહ્યું હતું કે, આવનારા ધારાસભ્ય પાસે અપેક્ષા ઘણી બધી છે. મોરબી જે રીતે આપબળે વિકસિત થઈ રહ્યું છે. એમ વર્ષોથી જે સરકારી સવલતો મળવી જોઈએ એ મળી જ નથી.ખાસ કરીને મોરબીની સરકારી શિક્ષણ સુવિધા વર્ષોથી એવીને એવી જ રહી છે ઘણી સરકારી શાળાઓ ભાડે ચાલે કે વર્ગખંડો ઓછા હોય, સૌચાલય, બાથરૂમ જેવી સુવિધાનો અભાવ અમુક શાળામાં શિક્ષકોની ઘટ જેવી ઘણી બધી ફેસિલિટી નથી. જો સરકારી શાળામાં સુવિધાઓ સારી હોય તો સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકો ખાનગીમાં ભણવા જ ન જાય.

એલએલબીમાં અભ્યાસ કરતા દેગામા અર્જુને જણાવ્યું હતું કે, મોરબીમાં ઉધોગોને કારણે પ્રદુષણની માત્રા વધી ગઈ છે એનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. સીરામીક સહિતના ઉધોગોનું પ્રદુષણ નદીમાં ભળતું હોય આવી ગંભીર બાબતે તંત્રના આંખ મીચામણા જન આરોગ્ય માટે ભારે પડી રહ્યા છે. ઉધોગોનો વિકાસ થવો જોઈએ, લોકોના રોજગારી મળવી જોઈએ પણ લોકોના સ્વાસ્થ્યના ભોગે નહિ. એટલે આવનારા ધારાસભ્ય કુદરતી ઉર્જા ઉપર ભાર મૂકે અને એના માટે પ્રયાસો કરે તો પ્રદુષણ ઘટી શકે, સોલાર ઉર્જા જેવા પારંપરિક ઉર્જાના સ્ત્રોત વિકસાવીએ તો મોરબીમાં પ્રદુષણનું નામોનિશાન નહિ રહે.

એલએલબી સ્ટુડન્ટસ ભૂમિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, દર વખતે ચોમાસામા રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે નવા રોડ પણ ભંગારમાં ફેરવાય જાય છે. મોરબીમાં આજે પણ રોડ રસ્તા એટલા બધા ખરાબ હોય મોરબીની પેરિશ કે વિકસિત શહેર તરીકે ઓળખ આપવી યોગ્ય નથી. સિંગણાચા ભાવેશે કહ્યું હતું કે, મોરબીમાં ગવર્મેન્ટ કોલેજ બહુ જ ઓછી છે. ગેજ્યુએટ સુધીની સરકારી કોલેજો છે. માસ્ટર ડીગ્રીની સરકારી કોલેજ નથી. આથી સરકારી શિક્ષણના માળખાને મજબૂત બનાવવા આવનારા ધારાસભ્ય પ્રયાસો કરે તે જરૂરી છે.

- text

ચાવડા ગૌતમ નામના વિધાર્થીએ કહ્યું હતું કે, મોરબીનું રમત ગમત ક્ષેત્રે ખૂબ જ ઓછું યોગદાન છે. રમત ગમતના મેદાન પણ નથી. રમત ગમતના સાધનો પણ નથી. રાષ્ટ્રીય અને ઓલમ્પિક જેવી રમતોમાં મોરબીનું જરાય યોગદાન નથી. એટલે ધારાસભ્ય રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરે તેવી અપેક્ષા છે. જાડેજા ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, મોરબીમાં ટ્રાફિકની સમસ્યા વધુ છે. વાહન પાર્કિગની વ્યવસ્થા જ નથી. પરિણામે આડેધડ વાહન પાર્કિગ થાય છે. આ સમસ્યા ઉકેલ માટે ઓવરબ્રિજ, અંડરબ્રિજની તાતી જરૂરિયાત છે. વીસી ફાટક, નટરાજ ફાટક સહિતની જગ્યાએ ફ્લાય ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બને તો આ સમસ્યા મહદઅશે હલ થઈ શકશે.

બોરીચા કરણ નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, મોરબી સ્માર્ટ સીટી ત્યારે જ બનશે જ્યારે મૂળભૂત સુવિધાઓ આપવાના આવે, લાઈટ, પાણી, ગટર, સફાઈ રસ્તા સહિતની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવી જરૂરી છે. સારા બાગ બગીચા પણ હોવા જોઈએ, ફેફર માનસીએ કહ્યું હતું કે, મોરબીમાં જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ હલ કરવાની તંત્ર સક્ષમતા ધરાવે છે. એ બાબત જ્યારે નેતાઓ આવે ત્યારે રાતોરાત ઉભી થતી સુવિધાથી પુરવાર થાય છે. મોટા નેતાઓ આવે એટલે રાતોરાત મોરબીમાં સુવિધાઓ ઉભી કરી દેવામાં આવે છે. નેતાઓ માટે ખડેપગે રગેતું તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ પ્રજા માટે ક્યારે કામ કરશે. મોરબીમાં સ્વચ્છતાના નામે મિડું છે.જ્યાં જુઓ ત્યાં ગંદકી છે.કચરા પેટી પણ નથી. ઘણી જગ્યાએ કચરા પેટીમાંથી ગંદકી રોડ ઉપર આવી ગઈ છે.

વડોદા નિરાલીએ કહ્યું હતું કે, જે નેતાને પ્રજાએ ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યો હોય અને તેને જો પાંચ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પ્રજાનું કામ કર્યું હોય તો પ્રજામાં એની સારી છબી હોય અને આવા નેતાને ફરી ચૂંટણી આવે ત્યારે પ્રજા પાસે મત મંગવાની જરૂરિયાત જ નથી. પ્રજા સામેથી મત આપી દે છે. અત્યારે જે રીતે નેતાઓ ચૂંટણી ટાણે હડિયાપટ્ટી કરે છે તે જોતા એમ લાગે છે કે નેતાઓએ કામ કર્યું જ નથી. માટે ધારાસભ્ય બને પછી કામ ન કરે અને ચૂંટણી ટાણે લખલૂંટ ખર્ચ કરે છે. એ ખર્ચ જો પ્રજા માટે વાપરવામાં આવે તો ચૂંટણી ટાણે આટલા બધા પ્રચારની જરૂર જ ન પડે. માટે ધારાસભ્ય નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી અપેક્ષા તમામ યુવા કોલેજીયન વિદ્યાર્થીઓએ સેવી હતી.

- text