દાઝયા ઉપર ડામ ! ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટમાં કેસ લડવાના વકીલના ખર્ચ માટે પાલિકાએ સભ્યોની મંજૂરી માંગી

- text


કેટલાક સભ્યો અવઢવમાં, એવા પણ સવાલ ઉઠ્યા કે ઓરેવા સાથે કરાર કર્યા ત્યારે ઠરાવ કરવો જોઈ તો હતો ને !!

સુઓમોટો કેસમાં વકીલોની ફી ચૂકવવા ખર્ચ મંજૂરી માટે હા અથવા ના મા અભિપ્રાય આપવા ઠરાવ કરાયો

મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવા મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી રિટ પીટીશન મામલે કેસ લડવા બે વકીલો રાખવા અને તેમની ફી ના ખર્ચ ચૂકવવા માટે પાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા તમામ નગરસેવકોના અભિપ્રાય માટે ખાસ સરક્યુલર ઠરાવ બહાર પાડી હા અથવા ના મા જવાબ આપવાની સાથે સહી કરવા જણાવવમાં આવતા અનેક નગરસેવકો સહી કરવી કે નહીં ત અવઢવમાં મુકાયા હોવાનું બહાર આવ્યું છે.

મોરબી નગરપાલિકા હસ્તકના ઐતિહાસિકનો ઝૂલતો પુલ અજંતા ઓરેવા કંપનીને સોપાયા બાદ સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં એક સાથે 135 લોકોનો ભોગ લેવાતા આ મામલે નામદાર હાઇકોર્ટમાં સુઓમોટો રિટ દાખલ થતા હાલમાં નામદાર કોર્ટને જવાબ આપવામાં પાલિકાના સત્તાધીશોને પરસેવો છૂટી રહ્યો છે ત્યારે આ ગંભીર કેસમાં હવે પાલિકા દ્વારા બે અલગ અલગ વકીલ રોકવા અને તેમની ફી ચૂકવવા માટે ચૂંટાયેલા તમામ સભ્યોનો અભિપ્રાય લઈ હા અથવા ના મા જવાબ આપી નીચે સહી કરવા માટે ખાસ સર્ક્યુલર ઠરાવ કરવામાં આવતા મોરબી પાલિકાના ચૂંટાયેલા સભ્યો મૂંઝવણમાં મુકાયા છે.

- text

જો કે આ સુઓમોટો રિટ મા મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા કાઉન્ટર સોગંદનામું રજૂ કરી દેવાયુ છે ત્યારે આગામી તબબકે પાલિકાનો પક્ષ રાખવા માટે તજજ્ઞ વકીલ રોકવાની જરૂર પડતા હાલમાં તા.15 ના રોજ આ ખાસ સર્ક્યુલર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જો કે કેટલાક ચુંટાયેલ સભ્યોએ આ સર્ક્યુલરમાં સહી કરી છે પરંતુ અનેક કેટલાક નગરસેવકોએ હજુ સુધી સહી કરી નથી અને એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે અજંતા ઓરેવા સાથે કરાર પહેલા પણ આ રીતે તમામ સભ્યોને વિશ્વાસમાં લેવાની જરૂરત હતી ઉપરાંત આ વકીલ રોકવા માટેનો ઠરાવ કરતા પહેલા પણ તમામ ને વિશ્વાસમાં લેવાની જરૂર હતી જે કરાયું ન હોવાનું પણ નગરસેવક આલમમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે ઝૂલતા પુલ દુર્ઘટના કેસની ગંભીર બાબતને લઈ સહી કરવી કે કેમ તે મામલે હાલ તો નગર સેવકો ફૂંકી ફૂંકીને છાસ પીવા જેવી કહેવતને અનુસરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

- text