બે તબબકમાં મતદાન : રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી

મોરબી : ગુજરાત રાજ્યની 15મી વિધાનસભા ચૂંટણી આગામી તા. 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે, આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગેની તારીખ જાહેર કરવામાં આવી હતી. પત્રકાર પરિષદની શરૂઆતમાં ચૂંટણી આયોગ દ્વારા મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરાયો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબબકમાં મતદાન થશે.અને પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે જાહેર થશે.

ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતાં 77 બેઠક જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠક હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા. ભાજપ ગુજરાતની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે અને આ વખતે તેણે 182 બેઠકમાંથી 160 પ્લસનો લક્ષ્યાંક રાખ્યો છે, સાથે જ કોંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પણ આ બંનેની જગ્યાએ નવો વિકલ્પ લાવવાના તમામ વાયદાઓ સાથે ભરપૂર પ્રયાસ કરી રહી છે.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ મતદારયાદી અનુસાર, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદાર નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.