ભાજપને મત આપો તો પેપર ફુટે, કોંગ્રેસને મત આપો તો વેચાય જાય : ઈશુદાન ગઢવી

- text


આમ આદમી પાર્ટીની “બસ હવે તો પરિવર્તન” યાત્રા મોરબીમાં : રોડ શો યોજાયો 

મોરબી : વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો જોર સોર થી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકાથી કાઢવામાં આવેલી “બસ હવે તો પરિવર્તન” યાત્રા મોરબી પહોંચી છે.

બસ હવે તો પરિવર્તન યાત્રામાં હાજર રહેલ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ભાઈ ગઢવીએ મોરબી અપડેટ સાથે ખાસ વાતચીતમાં ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે. અમે પરિવર્તન યાત્રા મોરબીના મુખ્ય માર્ગો પર લઈને ફર્યા ત્યારે જોયું તો એક પણ જગ્યાએ સારો રોડ નથી ચારે તરફ ધુળની ડમરીઓ ઉડે છે. ભાજપના વિકાસની પરાકાષ્ટા દેખાઈ. મોરબીના લોકો અને વેપારીઓએ પણ મન બનાવી લીધું છે કે બસ હવે તો પરિવર્તન જ જોઈએ કારણ કે અહીં ભાજપને પાલિકાની તમામ સીટો આપી દીધી હોવા છતાં ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે. ભાજપ અને કોંગ્રેસ બંને માસીયા ભાઈ છે. ભાજપને મત આપો એટલે પેપર ફોડે, મોંઘવારી વધારે જ્યારે કોંગ્રેસને મત આપો તો વહેંચાઈ જાય. આમ આદમી એક એવી પાર્ટી છે કે જે ગરીબોના, સોષિતોના, મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થાય એટલા માટે રાજનીતિ કરે છે.

આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો હાઈ કમાન્ડથી નક્કી નથી કરતી. આ ભાજપ નથી કે આનંદીબેનને મુખ્યમંત્રી બનાયા બાદ ઢોલ પીટે કે મહિલા મુખ્યમંત્રી બનાવ્યા છે અને છેલ્લે ફેસબુકમાં રાજીનામું અપાવી કાઢી મૂકે, વિજયભાઈ રૂપાણી સાથે પણ એવું થયું તેઓની પાંચ વર્ષની ઉજવણી પૂરી થાય ત્યાં જ તેઓને પણ કાઢી મૂકવામાં આવ્યા,અને ત્રીજા મુખ્યમંત્રી લાવવામાં આવ્યા જોકે હવે પાટીલને પણ મુખ્યમંત્રી બનાવશે. ભાજપના રાજમાં મુખ્યમંત્રી કે મંત્રી ક્યારે બદલી જાય તે ખબર જ નથી હોતી.અહિ ઓછું ભણેલાને મંત્રી કે મુખ્યમંત્રી બનાવી દીધા હોવાથી પેપર ફૂટે, મોંઘવારી વધે,મોરબીનો સિરામિક ઉદ્યોગ દોઢ મહિના સુધી બંધ રહે કારણ કે તેઓની આવડત જ નથી સરકાર ચલાવવાની. જ્યારે દારૂનો કે ડ્રગ્સનો ધંધો કરવો હોય તો તેઓની માસ્ટરી છે નકલી અસલી દારૂ તેમજ ડ્રગ્સ મળે છે. જેથી આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જે નંબર જાહેર કર્યો છે તેમાં સૌથી જેનું નામ મોખરે હશે તેને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તેમજ અમારી પાર્ટી દ્વારા વિધાનસભાની ટિકિટ પણ લોકો કહે તેને જ આપી છે.

- text

ભાજપે હવે આરામ કરવાની જરૂર છે સી.આર પાટીલ સહિતના હવે ઉંમરલાયક થઈ ગયા છે જેથી અમારા જેવા યુવાનોને રાજનીતિમાં આગળ આવવા દેવા જોઈએ. ભાજપને સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓમાં પ્રવેશવા પણ નથી દેતા અહીં મોરબીમાં જ ભાજપની ગૌરવ યાત્રાનો જોરદાર વિરોધ પ્રજાએ કર્યો હતો. આના અગાઉ કિસાન પંચાયતનો પણ લોકોએ વિરોધ કર્યો હતો. ભાજપ કોંગ્રેસના નેતાઓને ખરીદી સરકાર ચલાવે છે આઠ વર્ષમાં 65 કોંગ્રેસના મોટા નેતાઓને ભાજપ ગયા છે. જે નેતાઓ વિપક્ષમાં રહી નરેન્દ્ર મોદીને ગાળો ભાંડતા હતા એ અત્યારે નરેન્દ્ર મોદીના સારા કામો ગણાવી રહ્યા છે જેથી તેમને તો શરમ નથી આવતી પરંતુ લોકોને હવે શરમ આવે છે. જેથી જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે તે જોતા ગુજરાતમાં પંજાબનો પણ રેકોર્ડ તૂટશે અને આમ આદમી પાર્ટી બહુમતી સાથે સરકાર બનાવશે.

આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મોરબી માટે સારા રોડ રસ્તા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે, વેપારીઓને કોઈ પરેશાન ન કરે તેમ જ હાલ સીરામીક ઉદ્યોગને જે ભાજપ વારા ડરાવી ધમકાવી રહ્યા છે તે બંધ થશે, સારામાં સારી સરકારી હોસ્પિટલ,શાળાઓ, ઇંગ્લીશ મીડીયમ શાળાઓ કે જેમાં સામાન્ય ગરીબ માણસનું બાળક પણ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, સાથે જ અહીં જે ગેસના ભાવની સાથે સાથે અધિકારીઓનો પણ સિરામિક ઉદ્યોગને નોટિસો આપ્યા બાદ ડરાવી ધમકાવી સેટિંગો કરવામાં આવે છે. આ બધી સમસ્યા આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ નાબૂદ કરવામાં આવશે.

ભાજપે ૨૭ વર્ષનો હિસાબ આપવાને બદલે અમારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈનો કોઈ જુનો વિડીયો કાઢી સતત બદનામ કરી આ વીડિયોના આધારે ભાજપ મત માગી રહ્યું છે એ ભાજપ માટે શરમજનક છે કે એમને મત માગવા બીજો કોઈ મુદ્દો નથી હાલ ૬૨ થી પેટ્રોલના ૧૦૦ સુધી ભાવ પહોંચાડ્યા, અને હવે જો ભૂલથી પણ ભાજપ સત્તામાં આવ્યું તો તેલના ડબ્બાના 5000 રૂપીએ પહોંચાડતા વાર નહીં લગાડે. ભાજપ ચૂંટણી આવે એટલે વિડિયા તેમજ જૂની કેસેટો પણ વાયરલ કરતી હોય છે વર્ષ 2017 માં પણ આ જ થયું હતું.

- text