રાજકોટમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી જિલ્લામાં 200 એસટી બસ ફાળવાઈ

- text


ગ્રામ્ય રુટો અને મોરબી-રાજકોટ ઇન્ટરસીટી સહિતની બસો કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા

દિવાળીના તહેવારોમાં મોટાભાગની રૂટ કેન્સલ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી

મોરબી : રાજકોટમાં પીએમના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવા માટે એસટી તંત્રએ ધડાધડ બસો ફાળવી દેતા સંખ્યાબંધ મુસાફરો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે.ગ્રામ્ય રુટો અને મોરબી-રાજકોટ ઇન્ટરસીટી સહિતની બસો કેન્સલ કરી રાજકોટમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી જિલ્લામાં 200 બસ ફાળવતા મુસાફરો રીતસરના રઝળી પડ્યા હતા.

રાજકોટ આવી રહેલા દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને એકત્ર કરવા માટે ફરી એકવાર લોકો માટે મહત્વની અને આવશ્યક સેવા એસટીનો ભોગ લેવાયો છે. રાજકોટમાં લઇ જવા માટે ભાજપના દરેક નાના મોટા કાર્યકરોને લક્ષ્યાંક આપીને લોકોને ભોજન સહિતની વ્યવસ્થા કરીને વધુમાં વધુ મોરબી જિલ્લામાંથી માણસો એકત્ર થાય તેની કસરત કરવામાં આવી રહી છે. જુદા-જુદા ડેપોની તેમજ મોરબી ગ્રામ્યરૂટ અને ઇન્ટરસીટી બસો કેન્સલ કરીને કુલ 200 જેટલી બસો રાજકોટના કાર્યક્રમ માટે ફાળવી દેવાય છે. જેમાં મોરબી તાલુકામાંથી લોકોને લઈ જવા 90 બસ, હળવદ તાલુકા માટે 40 બસ, ટંકારા તાલુકા માટે 50 બસ અને માળીયા તાલુકામાંથી લોકોને લઈ જવા 20 બસ ફાળવી છે.

રાજકોટના કાર્યક્રમમાં જવા માટે જે 200 બસ ફાળવી છે તે ધ્રાગંધ્રા ડેપોની 20, સુરેન્દ્રનગર ડેપોની 20 બસ, હિંમતનગર ડેપોની 20 બસ, વાંકાનેર ડેપોની 30 બસ, ભુજ જિલ્લાના ડેપોની 100 બસ, મોરબી ડેપોની 10 બસનો સમાવેશ થાય છે. આ રીતે અન્ય જગ્યાના ડેપોમાંથી બસો મંગાવી મોરબી જિલ્લાના નિયત સ્થળે રાખી ભાજપના કાર્યકરો દ્વારા લોકોને રાજકોટ લઈ જવામાં આવ્યા છે. જેનાથી ઘણી બધી રૂટ કેન્સલ થતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા અને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. ઘણાં ખાનગી વાહનોએ પણ તકનો લાભ ઉઠાવી ભાડાં મોંઘા કરી દેતા મુસાફરોને રીતસર લૂંટાવું પડ્યું હતું. તેમાંય દિવાળીના તહેવારોમાં ઘણા લોકો બહારગામ જતા હોય ત્યારે મોટાભાગની રૂટ કેન્સલ થતા લોકોને ભારે હાલાકી પડી હતી.

- text

- text